ઓ પેલો ચાંદલિયો

ભજન · નરસિંહ મહેતા

ઓ પેલો ચંદલિયો મા ! મને રમવાને આલો;

તારા ને નક્ષત્ર લાવી માર ગજવામાં ઘાલો. - ઓ પેલો. ૧

રૂએ ને રાગડો થાયે, ચાંદા સામું જુએ;

માતા રે જશોદાજી હરિના આંસૂડા લૂવે. - ઓ પેલો. ૨

ચાંદલિયો આકાશે વસે, ઘેલા રે કહાન;

સહુ કોને ઘેર બાળક છે, પણ તુને નહી સાન. - ઓ પેલો. ૩

વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો;

નરસિયાનો સ્વામી શામળિયો રડતો રે રાખ્યો. - ઓ પેલો. ૪

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી