અનુભવબિંદુ

છપ્પા · અખો

કુંડલિયા.

પરમધામ પરમાત્મ હરિ, પ્રથમ કરૂં પરણામ;

પરમજ્યોતિ પરબ્રહ્મ સદા, જ્યાં નહિ રૂપ ને નામ.

ત્યાં અણછતો, થૈ પરણમું, વર્ણવુંવાજ્યવિલાસ [ ૧ ]

જ્યાં મન વાણી પહોંચે નહીં, ત્યાં શું કહી સ્તવે [ ૨ ] દાસ.

નિર્ગુણમાં ગુણ અણછતા, આરોપી [ ૩ ] અખે ઓચર્યું;

સત્ય સત્ય પરમાતમા, હું નહિ એવી સ્તુતિ કરૂં. ૧

છપ્પય

નિર્ગુણ ગણપ્તિ નામ, ધામ ધર [ ૪ ] ગુણને આલે’

સ્તુતિ અંબરાતીત [ ૫ ] , દ્વૈતનિર્લિંગી [ ૬ ] નરાળે.

ત્યાં આરોપ્યા ગુના ઈશ, શીશ ઢળે જેને ચંમર.

નિકટ રહે અષ્ટસિદ્ધિ, નિધિ નવ ને બહુ અંમર [ ૭ ]

સુર વિણાધર [ ૮ ] તેથકે, ચિદ્શક્તિ મહા સરસ્વતી;

જમલો [ ૯ ] જાણી અખો સ્તવે, સર્વાતીત [ ૧૦ ] સર્વનો પતિ. ૨

અનુક્રમે કહું એહ, જેહ છે પ્રપંચપારે;

તત્ત્વમસિપદ [ ૧૧ ] જેહ, તેહ કહું વાની ઉચારેં.

કૈવલ્ય ઈશ્વર જીવ, ભેવ કહું વિવિધ વિચારે;

અંબરવત [ ૧૨ ] મન થાય, જાય ગુણ તત્ત્વજ ધારે;

જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ધર, બોલે અખો વાની અમળ [ ૧૩ ] ;

એ ભાષા બ્રહ્મવિચાવિધિ, સઅમઝે તો નર જળકમળ [ ૧૪ ] . ૩

જાણીને જગદીશ, સહીશ સદ્ગુરુને નામી;

અવસર છે આ વાર, સાર શ્રીપતિ ભજ સ્વામી;

તે જાવું નથી દૂર, ઉર અંતર અવલોકી [ ૧૫ ] ;

ટાળ અસત અહંકાર, ચાર [ ૧૬ ] સ્થળે રહ્યો ઈ રોકી;

ચરણકમળ ગુરુદેવનાં, સેવંતાં સદ્ય હરિ મળે;

જેમ અર્કતણા [ ૧૭ ] ઉધ્યોતથી [ ૧૮ ] , અખા અંધકાર સેજે ટળે. ૪

મહાપદ તેજ મહંત, સંત શયાળા જાણે;

જ્યાં લઘુબુધનો [ ૧૯ ] નહિ લાગ, વાક્ય વિચિત્ર વખાણે;

મનસા વાચા કાયા, પાયાવન [ ૨૦ ] પંથ વિચરવો;

સગુરો જાણે સંચ, પંચપર [ ૨૧ ] અનુભવ ધરવો;

લિંગચતુષ્ટયવિણ [ ૨૨ ] અખા, ચિદ યોનિ [ ૨૩ ] ચહુ દિશ ભર્યો;

નિરાલંબ નર નાગ સુર, અલગ રહ્યો સત [ ૨૪ ] આવર્યો [ ૨૫ ] ૫

નહિ તેજ ને તોયે [ ૨૬ ] , દોયા નહિ અવનિ [ ૨૭ ] વાએ;

આકાશથી આઘુંજેહ, નિગમ [ ૨૮ ] ત્યાં નેતિ ગાએ;

ત્રિગુણ નહીં તે શૂન્ય, પુન્ય નહિ પાપ ના ધારે;

રક્ત પીત નહિ શ્વેત, શ્યામ નહિ નીલ વિચારે.

ગતિ અવગતિ તે ત્યાં નહીં, તો કહો વિચાર કૈ પેર વદે;

અંબરવત [ ૨૯ ] ત ઇશને , ઓળખ અખા સદ ગુરુ રુદે [ ૩૦ ] . ૬

દેશ વિદેશા ના ભાત, જાત નહિ વર્ણ વિચારે;

દૃશ ષટ અષ્ટ ને એક [ ૩૧ ] , ચેક પરપંચની પારે;

ભાનું ભુવન મધ્ય વાસ, ઉજાસ અંબરથો આપે;

એ જગત જાળ જંજાળ, કાળ માયા શિર થાપે;

આપ અંબુ અંબુજવિધ [ ૩૨ ] , અલગ રહ્યો જળથી અકળ;

સહેજ વિલાસ શ્રી હરિ તણો, સમઝ અખા વરતે સકળ. ૭

મહાપદ એ મરણ, ચરણ વિણ [ ૩૩ ] ચિદ્માં દીસે;

અવલોકે બહુ લોક, જેમ મુખ વિના અરીસે;

જેમ દીપકને એક દેહ, તેહથી થાય અનંતા;

તેમ વસ્તુ વિશ્વ ઉત્પન્ન, અન્ય નહિ આપ નિયંતા;

લોક ચૌદ લગી વિસ્તર્યું, અંબર આઘું એમ લહ્યું;

અખા આપ વિસ્તાર વિધ, જગત ભેદ જાની કહ્યું. ૮

હવે અવનીનો કહું અર્થ, વૃથા રહે અવસર ખોતા;

સહેલે જે સમઝાય, કાય મન સ્થિર કરિ શ્રોતા;

ભૂત ભુવન વૃક્ષ ધાત, સાત [ ૩૪ ] વાસ્નાદિક અનુપે;

સ્થાવર જંગમ જાત, ભાત સ્થૂલ સૂક્ષ્મ અનૂપે;

સુર નર નાગ વૈકુંઠ લગેં, દૃષ્ટે દીસે જે સહુ;

અખા અવની એક તેમ, આત્મા વ્યાપી રહ્યો બહુ. ૯

વલી કહું એક દૃષ્ટાંત, શાંતિ મન સુણતાં પામે;

પુરુષે કરીયું શયન, ઘેન જેમ જાગ્રત વામે;

વધ્યો સ્વપ્ન સઅંસાર, પારણે પોઢ્યો રોજે;

હય હસ્તી નહિ પાર, ચાર પ્રિય પુત્ર બિરાજે;

લક્ષકોટિ રૂપે અખા, જંત જેમ એક વિસ્તર્યો;

સર્વાતીત એમ આત્મા, એ પરે સભરો ભર્યો. ૧૦

જેમ વારિધ કેરૂં વારિ, સઅકળ દિશામાં ચાલે;

પૃથ્વીપર પથરાય, વનરાજી સહુ ફુલે ફાલે;

ઊગરતું રહે અંબુ, સર્વ ઢળી આવે ઢાળે [ ૩૫ ] ;

તે નામ નદીનું ધરાય, ન્હાય સહુ મહિમા ભાળે;

ગર્વ ભરી ગાજે અખા, સરૂં ન લહે સરિતા સહી;

જેમ સાગર તેમ શ્રી હરિ વચેં, જીવ નદી થઇ હું વહી. ૧૧

જીવ થતાં જંજાળ, કાળ માયાવશ પડિયો;

પિતૃ ઋણ ગ્રહા દેવ, સેવની વણજે જડિયો;

ધન દારા સુત માત, તાત જીવિકા વશ વરતે;

આંધક ન્યૂનતા જોઇ, તોય છુટે નહિ મરતે;

અનસમઝે અહમેવ [ ૩૬ ] વશ, મર્મ ના સમઝે મંદમતિ;

પ્રપંચ્માંહી પચ્યો અખા, જેમ સર્પ પરશે વણ સે દધિ. [ ૩૭ ] ૧૨

અકસ્માત ઉલાળ, કાળા જોગે દેહ કરણી;

તેમ આત્મ ઉદ્યોત, જ્યોતિમધ્યે આવરણી;

જ્યારે ઉઅપ્જે ભાવ, સાવા સ્વતંતરા થાવા;

પ્રગટેભક્તિ વિરાગ, માગ જડે નિજ ઘર જાવા;

ચરણકમલ ગુરુદેવને, શરણ જતાં ચિદ [ ૩૮ ] ઉપજે;

સદ્ગુરુ પરમ શુદ્ધ શોધતાં, અખા પામી લે વરા વિજે. ૧૩

સાન સામી કહે સંત, જંત હરિ દેખે જ્કમલો;

ઉજ્જ્વળતા જેમ થાય, જાય જો કાશળ [ ૩૯ ] કમળો [ ૪૦ ] ;

અહમેવ વર્જિત અંગ, લિંગા લીન થાયે લેખે;

સમી જાય સકલ વિકાર, પાર મન પામે પેખે;

આલોચે અંબરવિષે, લીન થાય લક્ષે કરી;

જંત જાય નિજ આલયે [ ૪૧ ] , અખા જાલ સર્વે પરહરી. ૧૪

જેમ વર્ષા ઋતુ જાય, શરદ ઋતુ રૂડી દીસે;

દામિનિ [ ૪૨ ] દોડી પલાય, વાય મન હળવા હીંસે;

ચહુદીશ ચમકે ચંદ, દ્વંદ્વ બો મનનો ભાંગે;

તેમ ભાંગે ભવભ્રાંતિ, કાંતિ જેમ દ્વિતીયા આગે;

વિમળ વપુ હોય વારિ, ચતુર લિંગા દેખી લહે;

ચિદાકાશ ચિનમય અખા, ધ્યાતા ધ્યેય સમરસ રહે. ૧૫

જેમ દીપક તે વહની, વહની દીપકા નહિ દોએ;

તેમ સેવક સ્વમી જાન, વાણી કેવાની હોયે;

જેમ સૂરજ ને કિરન, ચરન સંમુખ જેમ દેહે;

તેમ ચે આ વ્યવહાર, પાર જડે જુવે તેહે;

જીવાન્મુક્ત કહેવાય અખા, વચન ન લાગે તે સ્થળે;

ગુરુગમે આલોચતાં, સહજપણે સર્વે કળે. ૧૬

ક્યાઠો ક્યાંયેજાય, કાંઇ નહિ કશો જ કે’વા;

વચન તહાં ન સમાય, જાય કોન કેને લેવા;

ક્યાં ચે તે વણ ઠામ, ધામથી દૂર કે નેડો [ ૪૩ ] ;

ક્યાં ચે ઉંચ નીચ, ક્યાં ચે મધ્યે કે છેડો;

કાંઇ અવકાશ નહિ તે વિના, અધિક ન્યૂન નહિ શું કરૂં;

શ્યાથી શું કાઢું અખા, શ્યામાં શું લાવી ભરું. ૧૭

કેને કહું હું મર્ત, તર્ત જો જીવતે દેખું;

કેને કહું હું સ્થૂલ, મૂળા જે સક્ષમ પેખું;

કેને કહું હું મહાભાગ, લાગા નહિ હીણો કે’વા;

કેને કહું હું નીચ, ઊંચ સ્થળ નહિ કોઇ રે’વા;

વેત્તા [ ૪૪ ] વિણ વિજ્ઞાન વિના, કોણ અખા કેને કહે;

જ્યાં નહિ શબ્દ ઉચ્ચાર વિધિ, ચિદાકાશ ચિદ માં લહે. ૧૮

નહિ લેનારો કોય, દોય નહિ દિલમાં ધરવા;

એવું અચરજ એહ, ચે નહિ પંથ વિચારવા;

જ્યાં નહિ શબ્દોચ્ચાર, સઆર ચે ત્યંહાં જાવા;

ઉપાય ઉપાયાંતર નહીં, તહાં છે કાંઇક સાવા;

આપ મરતાં એ અખા, સેહેજે સહજ સરાઇયેં;

લેખે લિંગ લાગે થકે, વણ બોલે શું ગાઈયેં. ૧૯

જેમ રુદના રણમાંય, કરે ત્યાં કો કોણ વારે;

તેમ જાણવાં કર્મ, ધર્મ સહુ અર્થ જ સારે;

તિમિર ભરીને પાત્ર, -થકી જન રહ્યો ઉલેચે;

જેમ કુસુમ [ ૪૫ ] આકાશ, તાસ [ ૪૬ ] લહિ ઘર ઘર વેચે;

તેમ અધ્યાતમજ્ઞાનવિના, કૃત્ય સકલ જાણે અખા;

મંદમતિ માની રહ્યા, કરતા દીસે પખપખા [ ૪૭ ] . ૨૦

કૈ કરતા દીસે ગાન, તાનને સાધન માને;

કૈ વર્ણાશ્રમા અભિમાન, -વાન અસમંજસ [ ૪૮ ] ભાને;

કોય સાધે અષ્ટાંગ,સ સાંગ કાયાકૃત જાણે;

કો કરે પૂર્વ જ દેવ, સએવ અધિકતા આણે;

એ સર્વે કાયક્લેશ છે, મન મલિનતા એ સહી;

અખા તક્રના [ ૪૯ ] પાનથી, અંગ તાપ ઉપજે નહીં. ૨૧

કૈ ષડ્દર્શનના જ્ઞાન, -વાન જિહ્વાની અગ્રે;

કૈ ઈશ્વર થૈ પૂજાય, ગાય જશ નગ્રે નગ્રે;

કોય કવીશ્વર થાય, પાય પૃથી પતિ લાગે;

કોય થાય દાનેશ, ઈશ કર્ણાદિક આગે;

તહાં લગી જાણો અખા, ના શમી સઘળી વાસના;

લિંગનો ભંગા થયા વિના, સર્વે મનની ઉપાસના. ૨૨

ભૂત ભવિષ્યની વાત, સાત કોય કૈને આલે;

કો કહાવે ત્રિભુવન્નાથે, હાથ મુખ બીડી ઘાલે;

કોઈક સુર તેત્રીશ, ઈશને એ અજ દેખાડે;

કો કરે પ્રૌઢી [ ૫૦ ] કાય, અંડકટાહજ [ ૫૧ ] ફાડે;

તોએ તે જાણે અખા, માયાએ મર્કટ કર્યા;

વાસનાદોરી કંઠમાં, કાળનાટ્ય સાથે ફર્યા. ૨૩

માટે જન તું જાણ, વાની લે વિવિધ વિચારી;

તે ન્હોય કવિત ને ગીત, દ્વૈતનું મૂલ સંસારી;

જે કાપે નિજ અંગ, ભંગા કરે ચતુરા દેહનો;

તે છે ખાંડું એહ, છેહ જે જુવે તું તેહનો;

ગુરુતનિ દૃષ્ટે જોતાં અખા, ઘેન તે સર્વ વામિયે;

આજ્યાતણું [ ૫૨ ] જે પારખું, તે ખાંડશું ખાતાં પામિયે. ૨૪

સર્વે માયા જાણ, આણ મન મુળગે ઠામે;

આપથી બીજું તેજ, વિધન રે’છે નિજ ધામે,

જેમ રાજપુત્રનો ન્યાય, ઉપાય ત્યાં તેમજ કરવો;

જ્યેષ્ઠ કનિષ્ટક ભ્રાત, તાત્લગ વાંછે મરવો;

તે માટે અભ્યાસ તું કરી લે અખા એ વિધે;

દ્વૈતતણો આયાસ છે, તે ટાળે તમ કૈ વિધે. ૨૫

જે દેખે ત્રિભુવના ઇશ, તોય વિશ વિશ્વા [ ૫૩ ] માયા;

જે દેખે સિદ્ધવંત, અંતા નહિ અમરકાયા;

જો તું દેખે સ્વર્ગ, વર્ગા જાણે માયાનું;

ઉત્તમ મધ્યમ વાત, શાંત એ કૃત કાયાનું;

પસર્યું સર્વ સંકેલજે, મને માન્યું મિથ્યા થશે;

અખા એજ આલોચતાં [ ૫૪ ] , સુરત સહજ તનમાં હશે. ૨૬

મોટા મંદિર બહાર, ચાર દિશ કાચો ઢાળ્યા;

નીલ પીત બહુ રંગ, ઢંગના ભેદો ભાળ્યા;

ઉગ્યો શશિ કાં સૂર, દૂરથી અતિશે ઝળકે;

દેખાડે બહુ રૂપ, ધૂપ વિવિધ પેર ચળકે;

અખા ઉપર અવલોકતાં, તહાં તેમનું તેમ છે;

તેમ ત્રિલોકી જાણજે, એક વસ્તુ વડે એમ છે. ૨૭

નવ ભુલ્કીશ તું ઘાટ, નાટ સૌ જાણે ખોટું;

પિંડ તેવું બ્રહ્માંડ, છાંડ સૌ નાનું મોટું;

સૂક્ષ્મ તેવું સ્થૂળ, સ્થૂળ સૂક્ષમ નહિં અંતર;

નારીકુંજર [ ૫૫ ] ચીર, ધીરે થઈ જુવે પટંતર.

પૂતલિ જોતાં બહુલતા, પૂતળિકા દૃષ્ટો પડે;

હસતી [ ૫૬ ] તેમ વિરાટ અખા, દિસે બહુલતા એવડે. ૨૮

એથી આઘો ચાલ, ઘાલ જામ આપક ખાવા,

છાંડ પિંડ બ્રહામાંડ, સ્થૂળ નથી કો ગાવા;

જીવ ઈશ્વરને દોય, કોય નથી એણે ઠામે;

સ્ત્રી કુંજર દૃષ્ટાંત, જંત ઈશ્વરને ધામે;

વિલ્યમાં કોઈ અખા , બુદ્ધિબળ પહોંચે નહી;

એ સ્થૂળ સૂક્ષ્મ દૃષ્ટાંતને, કોઈ ધીમંત [ ૫૭ ] શકે ગ્રહી. ૨૯

જેમ પર્વતની મોઢ, દીસે તેની તે માટે;

હોય કોશ દધ વીશ, તોયે નિકત એમ નાટે

તેવડે દીસે તેહ, એહ મરમ પરબ્રહ્મે;

નહીં બોલવા લાગ, પાગા છબે [ ૫૮ ] નહિ કર્મે;

તું એવું જાણી રહે અખા, લિઁગભંગ સહેજે હશે;

અન્ય ઉપાય જંજાળ છે, તે ટાળ્યે પ્રૌઢું થશે. ૩૦

સાધન સર્વ વિચાર, બુદ્ધિથી જોને શોધી;

હું નહિ તું નહિ તેહ, નહીં ઘર મૂક વિરોધી;

ગુરુ થા તારો તુંજ, નથી કોઈ બીજો ભજવા;

બાહ્ય સુરતને ટાળ્ય, વાળ્ય અંતરમાં સજવા;

જેમ છે તેમનું તેમ અખા, થયું ગયું કાંઈ નથી

આપે આપ આનંદધન, સ્વસ્વરૂપ જોયું નથી. ૩૧

એ અનુભવ પરમાન, જાણે જે રાખે રૂદિયે;

સમઝતાં સમઝાય, જાય નિશિ અરકને ઉદિયે;

એ અનુભવ ભાંખ્યો ઇશ, શીશ નમી પૂચ્યું ઉમિયા;

એ અનુભવ કહ્યો વિશિષ્ટ, તુષ્ટ યૈ રઘુપતિ બનિયા;

એ અનુભવ શુકદેવને, જનકા વિદેહે ભાખિયો;

એ અનુભવ નારદે અખા, વેદ વ્યાસ પ્રતિ દાખિયો. ૩૨

એ અનુભવ કહ્યો હંસ, બ્રહ્મસનકાદિક પ્રીછ્યા;

એ અનુભવ કહ્યો કપિલ, દિલ દેવહુતિ ઇચ્છ;

એ અનુભવ કહ્યો વેદ, ભેદ જે ચૌદમે [ ૫૯ ] કાંડે;

એ અનુભવ કહ્યો શુકદેવ, ભેદ જે સુણ્યો બ્રહ્માંડે;

એ અનુભવ પરિપૂર્ણ છે, ઠામ ન ઠાલું હરિ વિના;

સુર અસુર માનવી અખા, એ સમાઝ્યા વિણ નિર્ધના. ૩૩

એ અનુભવ કહ્યો કૃષ્ણ, પ્રશ્ન પૂછ્યો જો અર્જુન;

ગીતા અમૃત પાન, જ્ઞાન ગંગાજળ મજ્જન;

એ અનુભવ કહ્યો ભીષ્મમ ધરમપ્રત્યે પર્વ [ ૬૦ ] શાંતે;

એ અનુભવ અવધૂત [ ૬૧ ] , શિવસુત પ્રતિ [ ૬૨ ] એકાંતે;

અખા એજ અનુભવ ખરો, જેણે મહાજન નીપના;

લિંગભંગ થયા વિના, સૌ સાધના કાળને સેવના. ૩૪

એક અજુનું દોજ [ ૬૩ ] ભોજ્ય ધૃત નાવે શતથી [ ૬૪ ] ;

જેમ ફુલીનો [ ૬૫ ] આહાર, ફાર દીસે બહુ વતથી;

જેમ બદ્રીનો [ ૬૬ ] વેપાર, સાર સહું ઉગરે તેહને;

જેમ ઝાકળની વૃષ્ટિ, અર્થે શું આવે મેને [ ૬૭ ] .

તેમ અણલિંગિ અનુભવવિના, સઆધન જે સર્વે કહ્યાં;

આકનું [ ૬૮ ] ફળ શોભે અખા, પન તૂલ થૈ ઊડી ગયાં. ૩૫

પારસનો ધનવંત, અંત જેમ ધનનો નાવે;

તેને વસ્તુ નહિ દુઃપ્રાપ, ખાય પેરે જ્યમ ભાવે;

જેમ રવિરથ બેસે કોય, તેહ તો સર્વે દેખે,

જેમ પંખી મળે લખકોટિ, જોદ્યા નહિ અનળજ [ ૬૯ ] લેખે;

તેમ મહા અનુભવ આગળ અખા, કૃત્ય સકળ લેખો નહી;

પરબ્રહ્મની પ્રૌઢતા, તે રસના શું શકે કહી. ૩૬

એજ છપા ચતરીશ, ઈશ અજનું ચે જીવન;

એજ સુધારસા પાન, દેવ અંશીનું પીવન;

તત્ત્વજ્ઞાન ઉઅપ્દેશ, લેશ લહી તેહજ ધારે;

જે હરિનો અવતાર સાર ગ્રહી તેહજ ધારે;

જેમ ઘટમધ્યે આકાશ રે, તેમ સંસારી મધ્યમાં;

એ આરોપી કહે અખો, જો જાનો તે અવધ્યમાં [ ૭૦ ] . ૩૭

જણ્યો નહી કોય જંત, તન શું કાળું ગોરૂં

કેનો કૌં તાત માત, જનમા જ્યાં ન મલે છોરૂં;

છતે અણછતી વાત, ઘાટ આવે તો આવે;

વાંઝ્યતણો સુત જેહ, તેહ જતી રણ ફાવે;

અખા એજ અકથ કથા, સમજુ નર સમજી જશે;

અહા અનુભવ આકાશવત, પણ ખેતર સરખો [ ૭૧ ] ઉગશે. ૩૮

જે સુણશે નર નાર, સાર વસ્તુ તે સાશે;

બ્રહ્મ હેમાળો [ ૭૨ ] જેહ, દેહ ગળી જળમાં જાશે;

જેમ પવને જાય બરાસ, આડ્ય કીધા વણ ઊડે;

તેમજ બ્રહ્મ વિચાર, સઆર પામે સત ગૂઢે;

જે જાણો તે જાણજો , બુદ્ધિ મને એમ ઓચર્યું

નિમિત્તમાત્ર અખો કહે, જે જાણે તેણે કર્યું. ૩૯

આદ્ય અંત્ય ને મધ્ય, બુદ્ધિથી જુવો વિચારી;

તે તે કૈવલ્ય્વ્રહ્મ, શ્રમ ન લે નર ને નારી.

એ છપ્પા છત્રીશ, દઈસે છે મર્મની સાંનો;

ચાર કહ્યા ફળસ્તુતિ, વેશ તે બ્રહ્મદશાનો.

સર્વ મળી ચાળીશ અખા, સમજી જે ઉરમાં ધરે;

ચિદાનંદ ચિદ્ રૂપ તે, શ્રી અહ્રિ મુખથી ઉચ્ચરે. ૪૦

અનુભવબિંદુ સંપૂર્ણ

↑ વચનનો વિનોદ.

↑ સ્તુતિ

↑ કલ્પી

↑ ધરીને

↑ આકાશથી પર

↑ દ્વૈતના ચિહ્નથી રહિત

↑ દેવ

↑ સરસ્વતી

↑ બધાનો સમૂહ

↑ સર્વથી પર

↑ તે બ્રહ્મ તું ચે એવું વાક્ય

↑ આકાશના જેવું

↑ નિર્મળ

↑ જળમાંના કમળની પેઠે

↑ જો

↑ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. એ ચાર

↑ સૂર્યના

↑ પ્રકાશથી

↑ થોડી બુદ્ધિનો

↑ પગવિના.

↑ પાંચ ભૂતોની ઉપર

↑ સ્થૂળ સૂક્ષ્મ કારણ, ને મહાકારણ એ ચાર ચિહ્ન વિના.

↑ ચૈતન્ય રૂપ કારણ

↑ બ્રહ્મ

↑ ઢાંક્યો.

↑ પાણી

↑ પૃથ્વી

↑ વેદ

↑ આકાશ જેવા

↑ સદ્ગુરુના હૃદયમાં

↑ ૧૦+૬+૮+૧=૨૫ થી ૫૨

↑ કમળની પેઠે

↑ ચામડા વિના – શરીર વિના

↑ સાત ધાતુઓ

↑ નીચાણમાં

↑ હું જ

↑ દહિ

↑ જ્ઞાન

↑ દુઃખ આપનાર

↑ અજ્ઞાન રૂપ કમળો

↑ આત્મારૂપ ઘરે

↑ વીજળી

↑ પાસે

↑ જાણનનાર

↑ ફૂલ

↑ તેને

↑ પોતપોતાનો મત

↑ અયોગ્ય

↑ છાશના

↑ મોટી

↑ બ્રહ્માંડરૂપી કડાયાનેજ

↑ ઘીનું

↑ વસા

↑ જોતાં

↑ પુતળીઓનો હાથી

↑ હાથી

↑ બુદ્ધિમાન

↑ ઠરે

↑ શતપથ – બ્રાહ્મણના ચૌદમા કાંડમાં – બૃહદારણ્ય કોપનિષદમાં

↑ શાંતિ પર્વમાં

↑ દત્તાત્રેય

↑ કાર્તિકેય પ્રતિ

↑ દુઝણું

↑ સોથી‌

↑ ધાણીનો

↑ બોરનો

↑ વરસાદને

↑ આકડાનું

↑ આકાશમાં જ સ્થિતિ કરનારું પક્ષી

↑ હણી ના શકાય એવી સ્થિતિમાં – બ્રહ્મમાં

↑ ક્ષેત્ર સમાન – પાત્ર પ્રમાણે.

↑ હિમાલય

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી