વૈષ્ણવ નથી થયો તું રે હરિજન નથી થયો તું રે

પદ · દયારામ

વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે,

શીદ ગુમાનમાં ઘૂમે... વૈષ્ણવ ટેક

હરિજનને જોઈ હૈડું ન હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,

કામ ધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતાં... વૈષ્ણવ ૧

તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,

તારા સંગનો રંગ ન લાગે, તહાં લગી તું કાચો... વૈષ્ણવ ૨

પર દુઃખ દેખી હૃદે ન દાઝે, પર નિંદાથી નથી ડરતો,

વ્હાલા નથી વિઠ્ઠલશું સાચું, હઠે ન હું હું કરતો... વૈષ્ણવ ૩

પરોપકારે પ્રીત ન તુજને, સ્વારથ છૂટ્યો છે નહીં,

કહેણી તેવી રહેણી ન મળે, કહાં લખ્યું એમ કહેની... વૈષ્ણવ ૪

ભજવાની રુચિ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,

જગત તણી આશા છે જહાં લગી, જગત ગુરુ તું દાસ... વૈષ્ણવ ૫

મન તણો ગુરુ મન કરીશ તો, સાચી વસ્તુ જડશે,

‘દયા’ દુઃખ કે સુખ માન પણ, સાચું કહેવું પડશે... વૈષ્ણવ ૬

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી