જાગને જાદવા

ભજન · નરસિંહ મહેતા

પ્રભાતિયું

જાગ્યને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કુણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થાશે ? જા.

દહિતણાં દૈથરાં, ઘીતણાં ઘેવરાં, કઢિયલ દૂધ તે કુણ પીશે ?

હરિ તાર્યો હાથિયો, કાળિનાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુણ લેશે ? જા.

જમુનાજીના તીરે ગૌધણ ચરાવતાં, મધુરીસી મોરલી કુણ વા’શે ?

ભણે મહેતો નરસૈંયો, તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કોણ સહાશે ? જા.

અન્ય સંસ્કરણ

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા

વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં

કઢિયેલ દૂધ તે કોણ પીશે ?

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો

ભૂમિનો ભાર તે કોણ સહાશે ? … જાગને

જમુનાજીના તીરે ગૌધણ ચારતા

મધુરીશી મોરલી કોણ વા'શે ?

ભણે મહેતો નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝવે

બૂડતાં બાંવડી કોણ સહાશે ? … જાગને

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી