શિક્ષા શાણાને

પદ · દયારામ

સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી;

સકલ કામના – સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે.

શિક્ષા શાણાને….

પરોપકાર, પ્રીતિ, મૃદુ વાણી; મોટા જન તે જાણોજી;

નિર્દય, આપસ્વારથી, જૂઠા; તે નીચા પરમાણો.

શિક્ષા શાણાને…..

ખરી મેહેનતનું દ્રવ્ય જોડિયે, નીચ નજર ના કરિયે જી;

પાછલથી પસ્તાવો ઉપજે, હાણ હાંસીથી ડરિયે.

શિક્ષા શાણાને…..

વિના વિચાર્યું કામ કરે તે પાછલથી પસ્તાય જી;

બગડી બૂંદ ન હોજે સઘરે, મળે ન તક જે જાય.

શિક્ષા શાણાને…..

ઋણ કાઢીને ખરચ ન કરિયે, દાટી ન સહિયે દુ:ખજી;

જેહેવી સંપત તેહેવું ભોજન, સદા પામિયે સુખ્ખ.

શિક્ષા શાણાને……

સુખ આવ્યે છાકી ન જૈયે, દુ:ખ આવ્યે નવ ડરિયે જી;

આપણાથી અઘિકાંને જોઇને ગરવ ક્લેશને હરિયે.

શિક્ષા શાણાને…..

લાખ ગમાવી સાખ રાખજો, સાખે મળશે લાખ જી;

લાખ ખરચતાં સાખ નહિ મળે, સાખ ગયે સહુ ખાખ.

શિક્ષા શાણાને……

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી