સંયોગવર્ણન

કવિતા · નર્મદાશંકર દવે

સંયોગ ટૂંકો વરણૂં હવે તે, વાંચી સુણીને સુખિ રોહ હેતે;

ડાહ્યાં થઈ જે કરશે વિલાસ, તેને જ સાચી મુક્તીનિ આશ.

આવ્યો ઉમંગે પિયુ એટલામાં, બેસે સુબાગે પછિ સામસામાં;

જાઈ જુઈ ને ખુલતાં ગુલાલા, તેની ઘટામાં રમતાં જ કાલાં.

વસંત ખીલે બહુ ચાર પાસ, વસંત જામે ખુબ તાન સાથ;

અતીસ જોરે છુટતાં કટાક્ષ, ઉઠાડિ ભેંટાડિ જ દે ન લાજ.

ગાએ પછી બે લઈ તાન રાગ, વાંચે કવીતા રસની સુહાગ;

એ રીતથી તે ચ્હડિ ખૂબ રંગે, ઊઠે પછી તો ઝટ તે ઉમંગે.

ધોળાં ઝિણાં વસ્ત્ર જ પ્હેરિ બંને, જાએ સુવાને ઉલટે પલંગે;

જાએ છુટી બંધન સેજ જોતાં, જાએ છુટી બંધન સેજ જોતાં.

આળોટતાં તે વળગી જ સૂઈ, પ્યારા અને પ્યારિ વદે તુટૂં ઈ;

પાછાં ઉઠીને ખુબ ચાંપિને તે, ઊંચે દમે કોટિ કરેછ હેતે.

બાહ્યપચારો કરિ લેઈ પ્હેલાં, સંગ્રામ માંડે પછિ મોટ ઘેલાં;

નાના પ્રકારે રમતાં રસીલાં, અંતે પછી ખૂબ જણાય ઢીલાં.

આંખો મિચાંએ બહુ લ્હેર આવે, મ્હોડું હસંતું રહિ ઘેલું જાએ;

વાંસો અને મૂખડૂં ખૂબ ફાટે, છૂટ્યા નિમાળા વિટલાય ગાલે.

ચૂમી કરીને પછિ હાથ નાખી, ઊંઘે પછી બેહુ નિરાંત રાખી;

પ્રીતી જ આનંદ સુખાળ શીત, એવો બિજો તો અહિંયા નથીજ.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી