સુખ દુ:ખ મનમા ન આણિયે

ભજન · નરસિંહ મહેતા

સુખદુઃખ મનમાં ન આણિએ, ઘટ સાથે રે ઘડિયાં;

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં. સુખ દુઃખ-ટેક.

નલરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;

અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી. સુખ દુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;

બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી. સુખ દુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;

રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી. સુખ દુઃખ

રાવણ સરિખો રાજીયો, જેની મંદોદરી રાણી;

દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી. સુખ દુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચનિ રાણી;

તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નિચ ઘેર પાણી. સુખ દુઃખ

શિવજી સરખા સતા નહીં, જેની પાર્વતી રાણી;

ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી. સુખ દુઃખ

સર્વ દેવને જ્યારે ભિડ પડી, સમર્‌યા અંતરજામી;

ભાવટ ભાંગી ભૂધરે, મેહેતા નરસૈંને સ્વામી. સુખ દુઃખ

અન્ય સંસ્કરણ

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં

ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ

નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;

અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;

બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી … સુખદુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;

રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી … સુખદુઃખ

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;

દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લુંટાણી … સુખદુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;

તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી … સુખદુઃખ

શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી;

ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી … સુખદુઃખ

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;

જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે … સુખદુઃખ

સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;

ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી … સુખદુઃખ

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી