લોચન – મનનો ઝઘડો

પદ · દયારામ

લોચન-મનનો ઝઘડો

લોચન-મનનો ઝઘડો

પદ ૪થું – રાગ સાખી.

લોચન મનનો રે, કે ઝઘડો લોચન મનનો !

રસિયા તે જનનોરે, કે ઝઘડો લોચન મનનો ! –ટેક.

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ;

મન કહે લોચન તેં કરી, લોચન કહે તારે હાથ. ઝઘડો લોચન.

નટવર નિરખ્યા, નેણ તેં, સુખ આવ્યું તુજ ભાગ;

પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ. ઝઘડો લોચન.

સુણ ચક્ષુ હું પાંગળું, તું મારું વાહંન;

નિગમ અગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મંન. ઝઘડો લોચન.

ભલું કરાવ્યું મેં તને, સુંદરવર સંજોગ;

હુંને તજી તું નિત મળે, હું રહું દુઃખવિજોગ. ઝઘડો લોચન.

વનમાં વ્હાલાજી કને, હું વસું છું નેણ;

પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન. ઝઘડો લોચન.

ચહેન નથી મન ક્યમ તુંને ? ભેટે શ્યામ શરીર;

દુઃખ મારું જાણે જગત, રાત્ર દિવસ વહે નીર. ઝઘડો લોચન.

મન કહે : “ધીકું હૃદે ધૂમ્ર પ્રગટ ત્યાં હોય;

તે તુજને લાગે રે નેણ, તે થકી તું રોય. ઝઘડો લોચન.

એ બેહુ આવ્યાં બુદ્ધિકને, તેણે ચુકવ્યો ન્યાય,

મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મનકાય. ઝઘડો લોચન.

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન એ રીત,

દયા પ્રીતમ શ્રીકૃષ્ણશું બેહુ વડેથી પ્રીત. ઝઘડો લોચન.

અન્ય સંસ્કરણ

[ ફેરફાર કરો ]

લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !

રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?

મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો

“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;

પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો

“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;

નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો

“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;

હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો

“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !

પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો

“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?

દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો

મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,

તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,

“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,

દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી