જાગો રે જશોદાના જાયા

ભજન · નરસિંહ મહેતા

જાગો ને જશોદાના જાયા

જાગો ને જશોદાના જાયા

જાગોરે જશોદાના જીવન, વહાણેલાં રે વાયાં‚

તમારે ઓશીકે, મારાં ચીર તો ચંપાયા… જાગોરે. ટેક

પાસું રે મરડો તો વહાલા ! ચીર લીઉરે તાણી‚

સરખી સમણી સૈયરો સાથે, જાવું છે પાણી. જાગો.

પંખીડા બોલે રે વહાલા ! રજની રહી થોડી‚

સેજલડીથી ઉઠો વહાલા ! આળસડાં મોડી. જાગો.

સાદડી [ ૧ ] પાડું તો વહાલા લોકડીઆં જાગે‚

અંગુઠો મરડું તો પગના ઘૂધરા ગાજે. જાગો.

સાસુડી જાગેરે વેરણ‚ નણદી જાગે‚

ઓ પેલી રે પાડોસણ ઘેર, વલોણું વાજે. જાગો.

જેને જેવો ભાવ હોયે તેને, તેવુંરે થાએ‚

નરસૈયાચા સ્વામી વિના રખે, વાહાણલું વાએ. જાગો.

અન્ય સંસ્કરણ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚

સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚

સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

↑ * ધીમો સાદ

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી