જ્યાં લગી આત્મા તત્વ

ભજન · નરસિંહ મહેતા

જ્યાં લગી આતમા તત્વ ચિંતયો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;

માનુષ-દેહ તારો, એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. જ્યાં૦

શુ થયું સ્નાન, સેવા ને પૂજાથકી, શું થયું ઘેર રહી દાન દીધે;

શુ થયું ધરિ જટા ભસ્મ લેપન કર્યે, શું થયું * [ ૧ ] વાળ લોચન કીધે. જ્યાં૦

શું થયું તપ ને તિરથ કીધા થકી, શું થયું માલ ગ્રહી નામ લીધે;

શું થયું તિલક ને તુલસી ધાર્યાથકી, શું થયું ગંગજલ પાન કીધે. જ્યાં૦

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણે;

શું થયું ખટ્‌દર્શન સેવાથકી, શું થયું વરણના ભેદ આણે. જ્યાં૦

એ છે પરપંચ સહુ પેટ ભરવાતણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો;

ભણે નરસૈંયો કે, તત્ત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો. જ્યાં૦

↑ વાળ લોચન - લુંચન કરાવવા - ચૂંટવવા તે

અન્ય સંસ્કરણ

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,

ત્યાં લગી સાધના સર્વ જૂઠી,

મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો

માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી

શું થયું ઘેર રહી દાન દીધે ?

શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,

શું થયું વાળ લોચન કીધે ?

શું થયું તપ ને તીરથ કીધા થકી,

શું થયું માળ ગ્રહી નામ લીધે ?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,

શું થયું ગંગાજળ પાન કીધે ?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,

શું થયું રાગ ને રંગ જાણ્યે ?

શું થયું ખટ દર્શન સેવ્યા થકી,

શું થયું વરણના ભેદ આણ્યે ?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,

આતમારામ પરિબ્રહ્મ ન જોયો;

ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,

રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી