ગા ક્ષણિકનાં ગાન

કવિતા · ઝવેરચંદ મેઘાણી

રે મન ! ગા ક્ષણિકનાં ગાન

(૧)

આજ આ સંધ્યાની ઝલકે

અકારણ આનંદ પુલકે,

સ્ફુરે નવલાં ગાન

રે મન ! ગા ક્ષણિકનાં ગાન

(૨)

જે પલક નિરખી, પલક મલકી

ક્યાંય ચાલ્યાં જાય,

જે પીઠ ફેરી મીટડી પણ

માંડવા નવ ચાય;

એ સૌ ક્ષણિકનાં ગાન

ગા મન ! ગા ક્ષણિકનાં ગાન

(૩)

દૈ હાથતાળી, વાત ટાળી,

રાત સાથે ના સુએ;

નવ વાત પૂછે, નેણ લૂછે,

પાછું વાળી ના જુએ;

એવાં સકળનાં ગાન

ગા મન ! ગા ક્ષણિકનાં ગાન

(૪)

ના થજે હેરાન, રે મન

ના થજે હેરાન !

આ સનાતન, એ ચિરંતન,

કરીશ ના એ કાંઈ ચિંતન

આજને દિનમાન

વીતી ગયેલી વાતડીના

સ્મરણ-ગજરા ગૂંથજે ના,

ના થજે હેરાન,

ગા મન ! ગા ક્ષણિકનાં ગાન

(૫)

આવનારાં ભલે આવે,

જે થનારું હોય થાવે;

ખેર ! સઘળાં ચલ્યા જાવે

ક્ષણ તણા મેમાન;

ગા મન ! ગા ક્ષણિકનું ગાન

(૬)

હો ભલે અવસાન, રે મન !

હો ભલે અવસાન.

જેને જીવન થોડુંક તેનાં

દે થવા્ અવસાન.

ફુલહાર ટૂટ્યો ફૂલ ખરિયાં,

ભ્રષ્ટ થૈને ધૂળ ઢળિયાં,

વીણતા હેવાન,

એનું ભલેરું અવસાન.

ગા મન ! ગા ક્ષણિકનું ગાન

(૭)

સમજું નહિ તેને સમજવા ના ચહું,

મળતું ન તેની ખોજ શા માટે લહુ,

જે મળ્યું તેથી પ્યાસ છિપવી,

ગયું તેની ખોટ છુપવી

થવા દે અવસાન

બાકી સર્વનું અવસાન;

રે મન ! ગા ક્ષણિકનું ગાન

(૮)

રોતું રહે નાદાન

મન રોતું રહે નાદાન !

તુજ હાથ બાંધી ગાંઠ તેને

છેદે પણ તુજ હાથથી;

સન્મુખ ઊભું છે જે સહજ

તે લે લગાવી બાથથી,

દુર્લભ બધાંને દૂર ઠેલી

આજ દે સન્માન

રે મન ! ક્ષણિકને સન્માન

(૯)

આ સંધિકાનાં કિરણ પલભર

ચડે ઝરણાં-ઘોડલે,

આ બુન્દ ઝાકળ તણું પલભર

ઝૂલે ફૂલ-અંબોડલે.

ત્યમ તું ય પલભર

ગાન દિલભર

ગાઈ થા નિર્વાણ;

ગા મન ! ક્ષણિક સૌનાં ગાન

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી