વાહાલાજી તમોરે નહાનડીઆ

ભજન · નરસિંહ મહેતા

વાહાલાજી તમોરે નહાંનડીઆ, અમોરે નહાંનડલાં, સરખે સરખી જોડ મળી;

પેહેલું આલિંગન દો મારા વાહાલા, પછે અમો દેઈશું લળીઅલળી.

સુંદરીઓનો સ્વભાવ છે એવો, પીયુને મળવા હિંડે ઘણું;

આલિંગન એણીપેર દો મહારા વાહાલા, રખે હમ દેખે હક જણું.

તમે નહાના હું હજી નહાની, નણદી આઘાં પાછાં કરે;

સાસુને ઘેર એ લાડકડીરે, તે અમ વારી કેમ વરે.

શું કરે સાસુ શું કરે નણદી, જેહના હૃદેમાં હું રે વસ્યો;

નરસિંહાચા સ્વામી મુજશું રમતાં, સંસારમાં તેને ભેય કશો.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી