ભક્તિ શૂરવીરની સાચી રે,

ભજન · ભોજો ભગત

ભક્તિ શૂરવીરની સાચી રે

ભક્તિ શૂરવીરની સાચી રે

પદ ૩૭ ચાબખો ૧૩.

ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહીં મેલે પાછી. ટેક

મન તણો જેણે મોરચો કરીને; વઢિયા વિશ્વાસી રે;

કામ-ક્રોધ-મદ-લોભ તણે જેણે ગળે દીધી ફાંસી રે. — ભક્તિ ૧

શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા, મામલો ગઢ માચી રે;

કાયર હતા તે કંપવા લાગ્યા, એ તો નિશ્ચે ગયા નાસી રે.— ભક્તિ ૨

સાચા હતા તે સન્મુખ ચડ્યા ને, હરિસંગે રહ્યા રાચી;

પાંચ પચીસથી પરા થયા, એક બ્રહ્મ રહ્યા ભાસી રે.— ભક્તિ ૩

કર્મના પાસલા કાપી નાખ્યા, ભાઈ ઓળખ્યા અવિનાશી,

અષ્ટ સિદ્ધિને ઈચ્છી નહીં, ભાઈ, મુક્તિ તેની દાસી રે. — ભક્તિ ૪

તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહોનિશ રહ્યા ઉદાસી;

ભોજો ભગત કહે ભડ થયા, એ તો વૈકુંઠના વાસી રે. — ભક્તિ ૫

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી