પઢો રે પોપટ રાજા રામ ના

ભજન · નરસિંહ મહેતા

પદ ૮ રાગ એજ.

પઢોરે પોપટ રાજા રામ ના, સતી સીતાજી પઢાવે,

પાસે રે બંધાવી રુડું પાંજરૂં, મુખ થી રામ જપાવે.— પઢો રે પોપટ. ૧.

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,

તેનુ રે ઘડાવું પોપટ પાંજરૂં, હીરા રતને જડાવું. — પઢો રે પોપટ. ૨.

પોપટ તારે કારણે શીશી રસોઇ બનાવું;

સાકરનાં કરી ચૂરમાં, ઉપર ઘી પિરસાવું— પઢોરે પોપટ. ૩

પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો;

નરસૈંના સ્વામીને ભજો રાગ, તાણી રૂપાળો— પઢોરે પોપટ. ૪

અન્ય સંસ્કરાણ

[ ફેરફાર કરો ]

પઢો રે પોપટ રાજા રામ ના, સતી સીતાજી પઢાવે,

પાસે રે બંધાવી રુડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,

એનુ રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....

પોપટ તારે કારણે શીશી રસોઇ રંધાવું,

સાકર ના કરી ને ચુરમા, ઉપર ઘી પિરસાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....

પાંખ રે પીળી ને પગ એના પાડુંરા,

કોઠે કાઠલો કાળો, નરસૈયા ના સ્વામી ને ભજો રાગ, તાણી ને રુપાળો...

હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી