ઓ વ્રજનારી !

પદ · દયારામ

શા માટે તું અમને આળ ચડાવે ?

પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,

ત્યારે મોહને મ્હેર આણિ મનમાં, ઓ વ્રજનારી !

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી,

સુખદુઃખ કાંઇ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી !

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,

તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી !

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધિ,

દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,

મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી !

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી