જીવને શ્વાસ તણી સગાઈ

ભજન · ભોજો ભગત

પદ ૨૬ ચાબખો ૨.

જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ. ટેક.

બાપ કહે બેટો અમારો માતા મંગળ ગાઇ

બેની કહે બાંધવ મારો ભીડ પડે ત્યારે ધાઇ— જીવ. ૧.

લીંપ્યું ને ગૂંપ્યું આંગણું ને કાઢવાની વેળા થઈ

અડશો ના અભડાશો તમે એમ લોક કરે ચતુરાઈ— જીવ. ૨.

ઘરની નાર ઘડી ન વિસરે તે અંતે અળગી થઈ જાય

ભોજો ભગત કહે કંથ વળાવી પંથ પોતાને હાલી થાય— જીવ. ૩.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી