ઓ જશોદાજી !

પદ · દયારામ

(ઢાળ : પ્રેમની પીડા તે કોને કહિયે રે ? હો મધુકર ! પ્રેમની પીડા તે કોને કહિયે રે ?)

ઓ જશોદાજી ! એવડો લાડકવાયો લાલ ન કીજીયે.

રે ! ક્ય્હાં સુધી સુતનાં ચોરચરિત્ર જોઇને રીઝિયે ?

વ્હાલે કૌતુક કીધું મંદિરમાં;

એક માખણપિંડ લીધો કરમાં;

એણે માંકડલાં ઘાલ્યાં ઘરમાં. ઓ જશોદાજી !

વ્હાલો સંતાડ્યાં શોધી (ક હા)ડે;

હોય ઉંચાં પણ હેઠાં પાડે;

એ તો ખાય ખવરાવે વણસાડે. ઓ જશોદાજી !

વ્હાલો સૂતાં બાળક્નાં અંગ મોડે;

મ્હારાં બાંધ્યાં વાછરૂં છોડી મેલે;

દહીં દૂધ તની રંજાડ કરે. ઓ જશોદાજી !

દયાના પ્રીતમ સ્વામી રસિયા;

ખાન ગોરસ પર આવે ધસિયા;

ધન્ય ભાગ્ય અમારૂં વ્રજમાં વસિયાં. ઓ જશોદાજી !

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી