એવા રે અમો એવા

ભજન · નરસિંહ મહેતા

રે એવા, તમે કહો છો વળિ તેવા રે;

ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો, કરશું દામોદરની સેવા રે. એવારે.

જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે;

હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે. એવારે.

સઘળા સાથમાં હું એક ભુંડો, ભૂંડાથી વળિ ભૂંડો રે;

તમારે મન માને તે કહેજો, સ્નેહ લાગ્યો છે ઊંડો રે.એવારે.

કર્મ-ધર્મની વાત છે જેટલી, તે મુજને નવ ભાવે રે;

સઘળા પદારથ જેથકી પામે, મારા પ્રભુની તોલે ના’વે રે. એવારે.

હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;

હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે. એવારે.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી