નાગર નંદજીના લાલ

ભજન · નરસિંહ મહેતા

રાસ રમંતાં મારી નથણી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ

રાસ રમંતાં મારી નથણી ખોવાણી... નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,

નથણી આપો ને મારા સુભદ્રાના વીરા... નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,

મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય... નાગર નંદજીના લાલ !

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર

રાધાજીની નથણીનો શામળિયો છે ચોર... નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,

નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર... નાગર નંદજીના લાલ !

વિશેષ માહિતી

[ ફેરફાર કરો ]

આ રચના ગુજરાતી ચિત્રપટ કુંવરબાઈનું મામેરું (૧૯૭૪)માં વપરાયું છે.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી