કૈવલ્યગીતા

છપ્પા · અખો

રાગ આશાવરી.

આ તું પૂરણ પુરુષોત્તમ પરબ્રહ્મ,દેખું છું હાજરા હજુર રે;

પરાપારથો બોલે પ્રાણપતિ,કેમ કહું નેણથી દૂર રે. તું પૂ ૦ (૧)

આ ઉપમા દીજે તે આરોપણ,દૃષ્ટાંત દીજે તે દ્વૈત રે;

આપે આપમાં આડ્યજ(પડદો) શેની,દ્વૈતસહિત અદ્વૈતરે. તું પૂ ૦ (૨)

આ શ્વાસ ઉસાસ સરે ત્યાં તું છે,કળ ભારે તુજમાંય રે;

હું તું કરૂં પણ છે પ્રાયે તું,તું જોતાં હું ક્યાંય રે. તું પૂ ૦ (૩)

આ નખશિખ જોતાં તુંજ નર્યો(એકલો)હરિ,અન્ય તે કોણ ને ક્યાંથું રે;

ઇચ્છાબીજ વાવ્યું તુંજ માંહે,ઉગી આવ્યું તુંજ માંથું. તું પૂ ૦ (૪)

આ મૂળ સ્કંધ શાખા પ્રતિશાખા,પલ્લવ પત્ર ફળ ફુલ રે;

સ્વાદ રંગ ગુણ નામ રૂપ બહુ,બીજ જોતાં નહીં ભૂલ રે. તું પૂ ૦ (૫)

આ નિરંજન નિરાકાર નિરામય,એવું સરખું છે આપ રે;

અંજન આકાર ક્યાંથી આવ્યા,આપમાંહેથી સર્વ વ્યાપ રે. તું પૂ ૦ (૬)

આ વસ્તુ નિરંતર કહું હું ધ્યાતા,ધ્યાતાવિના ધ્યેય ક્યાંય રે;

હું તું તું હું વસ્તુ વિચારે,અંકુર બીજજ પ્રાય રે. તું પૂ ૦ (૭)

આ પરાપારમાં પેશીને જોયું,હુંપણું ન મળે રંચ રે;

પોષણ ત્યાં તું તેમનો તેમ છે,સર્વે તારો સંચ રે. તું પૂ ૦ (૮)

આ તું ચેતન તુજ માંહે જામ્યો,જોયો ત્યાં તું જીવ રે;

શ્થૂળ નામ ધર્યા જીવેશ્વરનાં,તેમનું તેમ સદૈવ રે. તું પૂ ૦ (૯)

આ હું નહીં તું નહીં તે નહીં તેહજ,ફાલ્યું ફળ્યું ઝાતકાર રે;

અવ્યક્તમાંહી વ્યક્ત સર્વ દીસો,આપ તે જાણણહાર રે. તું પૂ ૦ (૧૦)

આ ઉપના કેરી આધ કહે કોય,અંત નહીં કોય કાળ રે;

મધ્યમાંહેથી નામજ નીસરે,એવું ધામ વિશાળ રે. તું પૂ ૦ (૧૧)

આ ગાઉ છું હું ને ગાતો જા તું,અંતર ઉતરીને જોતે રે;

હું નો હું અને તું નો તું અજ,એમ પોતાનો પોતે રે. તું પૂ ૦ (૧૨)

આ પિંડ જોતાં બ્રહ્માંડ જોવાયું,થાવર જંગમ દેહ રે;

સ્વર્ગ મૃત્યુ પાતાળ દશે દિશ,આપ તું સ્વામી એહ રે. તું પૂ ૦ (૧૩)

આ કાયા ચલણવલણ કરે નરની,ગમનધાવન બહુ ભાવે રે;

પુરુષવિના પ્રતિબિંબ ન હોયે,ચેતન સહેજ સ્વભાવે રે. તું પૂ ૦ (૧૪)

આ સ્વેં ચેતન જડ સરખું ભાસે,આપે તે ભૂત આકાર રે;

નૃત્ય નિધાન કરતાં કૈવલ્ય,ભાસે ચૈતન્ય સાર રે. તું પૂ ૦ (૧૫)

આ તું તારી ઇચ્છાએ પ્રાણપતિ,અક્ષર તણી લે ઓટ રે;

દર્શનમત નાનાવિધિ ચાલે,ભેખ ટેક કોટે કોટ રે. તું પૂ ૦ (૧૬)

આ દેશ દેશ ભાષા ભિન્ન ભિન્ન બોલે,ચાલ ચરિત્ર આચર્ણ રે;

રૂપ રમણ આકાર અનેરાં,પવન તેજ નિર ધર્ણ રે. તું પૂ ૦ (૧૭)

આ જળચર થળચર ખેચર તું હરિ,ક્યાંક મિશ્રિત તું હોય રે;

ક્યાંક પંડિત મૂરખ સાધારણ,આપથી ન અળગો કોઇ રે. તું પૂ ૦ (૧૮)

આ જીવ ઇશ્વર તું તુજને ઠરાવે,અળગો કલ્પે આકાર રે;

કલ્પિતમાં પરમેશ્વર નાવે,અકળિત આપ અપાર રે. તું પૂ ૦ (૧૯)

આ દીસે તેવો તું ત્યાં ન હોયે,છે તે સર્વે ઇશ રે;

તું તુજને જાણે નવ જાણે,દેવ દૈત્ય જગદીશ રે. તું પૂ ૦ (૨૦)

આ બોલતાં બીજું થૈને ભાસે,કહેતાં કવતાં ને ગાતે રે;

પોતાનાં પરાક્રમ હોતામાં દીસે,તેટલે નહીં શ્થૂલ જોતે રે . તું પૂ ૦ (૨૧)

આ વણસતું દીસે પણ નહિ વણસે,રેય દીસે ન રેવાય રે;

અટપટું દીસે સત્ય સર્વથા,કેતું દીસે ન કેવાય રે. તું પૂ ૦ (૨૨)

આ નિત્ય અનિત્ય મિત અમિત ન થાય,શબ્દાતીત ચૈતન્ય રે;

અન્ય અભ્યાસે ખાંતે ગાયો,વન્યગતે નહિ અન્ય રે. તું પૂ ૦ (૨૩)

આ ' કૈવલ્યગીતા' નામ સંજ્ઞાએ,આપે તે નિજ આનંદ રે;

સમજતાં શ્રીપતિ સ્વેં થાયે,અખા એ કૈવલ્યકંદ રે. તું પૂ ૦ (૨૪)

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી