મેહેલ પીતાંબર, અંબર માહરૂં

ભજન · નરસિંહ મહેતા

, સુરજ ઉગ્યો સુઈ ક્યમ રહીએ;

અમ ઘર સાસુ નણંદ જૂઠી વસે, કંથ પૂછે ત્યારે શુરે કહીએ.

સાવજ શબ્દ કરે અતિ સુંદર, દીપક તેજ તો ક્ષીણ થાએ;

કંઠથી કુસુમનો હાર કરમાઈયો, બાહેર રાગ પંચમ ગાયે.

તું તારે મંદિરે, પ્રેમશું પોઢીઓ, માહરે મંદિર દૂર જાવું;

લોકની લાજ, લોપીરે લક્ષ્મીવર, હું રે વળતી હવે નહીં રે આવું.

ધેન દોહોવી ઘેરરે, વાછરૂ વલવલે, મહીરે વલોવવું આજ માહારે;

કંઠથી બાહર કાઢિ કમલાપતિ, કાલ આવે હવે કોણ તારે.

સુરત સંગ્રામની, શાંતિજ હુઈ, રહીરે ઉજાગરી, શીશ નામી;

નરસિંહાચો સ્વામી સુખસાગર પોઢિયો, વિરહની વેદના ત્યારે વામી.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી