મગર અને શિયાળ
એક હતી નદી. એમાં એક મગર રહે. એક વાર ઉનાળામાં નદીનું પાણી સાવ સુકાઈ ગયું. ટીપુંય પાણી ન મળે. મગરનો જીવ જાઉં જાઉં થવા લાગ્યો. મગર હાલીયે ન શકે ને ચાલીયે ન શકે.
નદીથી દૂર એક ખાડો હતો. એમાં થોડુંક પાણી રહ્યું હતું. પણ મગર ત્યાં જાય શી રીતે ? ત્યાંથી એક કણબી જતો હતો. મગર કહે : એ કણબીભાઈ, એ કણબીભાઈ ! મને ક્યાંક પાણીમાં લઈ જા ને ! ભગવાન તારું ભલું કરશે. કણબી કહે : લઈ જાઉં તો ખરો, પણ પાણીમાં લઈ જાઉં ને તું મને પકડી લે, તો ? મગર કહે : છટ્ છટ્, હું તને પકડું ? એવું બને જ કેમ ?
પછી કણબી તો એને ઉપાડીને પેલા ખાડા પાસે લઈ ગયો ને પાણીમાં નાખ્યો. પાણીમાં પડતાંની સાથે જ મગર પાણી પીવા લાગ્યો. કણબી એ જોતો જોતો ઊભો રહ્યો, એટલામાં મગરે પાછા વળીને કણબીનો પગ પકડ્યો. કણબી કહે : તેં નહોતું કીધું કે તું મને ખાઈશ નહિ ? તો હવે મને કેમ પકડે છે ? મગર કહે : જો, હું તો કંઈ તને પકડત નહિ. પણ મને ભૂખ એટલી બધી લાગી છે કે ખાધા વિના મરી જઈશ. એમાં ઊલટી તારી મહેનત નકામી જાય ને ? આઠ દિવસનો તો ઉપવાસી છું. કહી મગર કણબીને પાણીમાં ખેંચવા લાગ્યો. કણબી કહે : જરા ઊભો રહે. આપણે કોઈની પાસે ન્યાય કરાવીએ.
મગરે મનમાં વિચાર્યું : ભલે ને જરા ગમ્મત થાય ! એણે તો કણબીનો પગ મજબૂત પકડી રાખ્યો ને બોલ્યો : પૂછ – તું તારે ગમે તેને પૂછ ! એક ઘરડી ગાય ત્યાંથી જતી હતી. કણબીએ એને બધી વાત કહીને પૂછ્યું : તું જ કહે ને, બહેન ! આ મગર મને ખાય છે, એ તે કાંઈ ઠીક કહેવાય ? ગાય કહે : મગરભાઈ ! તમ તમારે ખાઈ જાઓ કણબીને. એની જાત જ ખરાબ છે. દૂઝણાં હોઈએ ત્યાં સુધી રાખે, ને ઘરડાં થયાં કે કાઢી મૂકે, કેમ કણબા ! સાચી વાત ને ? એટલે મગર કણબીને જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : જરા વાર થોભ. બીજા કોઈને આપણે પૂછીએ.
ત્યાં એક લૂલો ઘોડો ચરતો હતો. કણબીએ બધી વાત એને કહીને પૂછ્યું : કહે ભાઈ ! આ કાંઈ સારું કહેવાય ? ઘોડો કહે : મહેરબાન ! સારું નહિ ત્યારે શું ખરાબ ? મારી સામું તો જો ? મારા ધણીએ આટલાં વરસ મારી પાસે ચાકરી કરાવી ને હું લંગડો થયો એટલે મને કાઢી મૂક્યો ! માણસની જાત જ એવી છે ! મગરભાઈ, ખુશીથી ખાઈ જા એને.
મગર તો પછી કણબીનો પગ વધારે જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : જરાક થોભી જા. હવે એક જ જણને પૂછી જોઈએ. પછી ભલે તું મને ખાજે. ત્યાંથી નીકળ્યું એક શિયાળ. કણબી કહે : શિયાળભાઈ ! મહેરબાની કરીને જરા અમારો એક ન્યાય કરશો ? દૂરથી શિયાળે કહ્યું : શું છે, ભાઈ ? કણબીએ સઘળી વાત કરી. શિયાળ એકદમ સમજી ગયું કે મગરનો વિચાર કણબીને ચટ કરી જવાનો છે. એટલે તે બોલ્યું : હેં કણબી ! ત્યાં કોરી જગ્યાએ તું પડ્યો હતો ? મગર કહે : ના રે ના ! ત્યાં તો હું પડ્યો હતો. શિયાળ કહે : હં હં, મને બરાબર સમજાયું નહોતું. ઠીક, પછી શું થયું ? કણબીએ વાત આગળ ચલાવી. શિયાળ કહે : શું કરું ? – મારી અક્કલ ચાલતી નથી; કાંઈ સમજાતું નથી. ફરીથી બરાબર કહે. પછી શું થયું ? મગર જરા ચિડાઈને બોલ્યો : જો, હું કહું છું. આ જો, હું ત્યાં પડ્યો હતો. શિયાળ જરા માથું ખંજવાળતું વળી બોલ્યું : ક્યાં ? કેવી રીતે ? મગર તો વાત કહેવાના તોરમાં આવી ગઈ. એણે કણબીનો પગ છોડ્યો અને પોતે ક્યાં ને કેવી રીતે પડી હતી તે બતાવવા લાગી.
તરત શિયાળે કણબીને ઈશારો કર્યો કે, ભાગ ! કણબી ભાગ્યો ને શિયાળ પણ ભાગ્યું. પછી ભાગતાં ભાગતાં શિયાળ બોલ્યું : મગરભાઈ, હવે સમજાયું કે તમે કેવી રીતે પડ્યા હતા તે ! કહો જોઈએ – પછી શું થયું ? મગર તરફડતો પડ્યો રહ્યો ને શિયાળ ઉપર ખૂબ દાંત પીસવા લાગ્યો.