મને રોકે છે કાનવર

ભજન · નરસિંહ મહેતા

મને રોકે છે. કાનવર દાણીરે, નહિં જાઉં જમના પાણીરે;

એકવાર જમના પાણીરે ગયાંતાં વહાલા, મારી સાથે સૈયર સમાણીરે. મને.

વૃંદાવનને મારગ જાતાં, મારી નવરંગ ચુંદડી તાણીરે;

જોરે પાણી માકલવાંરે હોય તો, સાથે મોકલો સૈયર સમાણીરે. મને.

મરકલડે મારાં મન હરી લીધાં, હું તો લાલચમાં લપટાણીરે;

નરસૈંયાચા સ્વામીની સંગે રમતાં, હું તો મોહનસંગમાં માણી રે. મને

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી