ગુજરાત કોની?

કવિતા · નર્મદાશંકર દવે

કોની કોની છે ગુજરાત?

ઉગ્રસેન રામ કૃષ્ણ સાત્યકી યાદવ જ્યાં સૌ વિરાજતા;

જ્યાં બ્રહ્મણ ને રજપુત ઝાઝા ઈશને અર્થે ઝૂઝ્યા હતા,

ત્યાં લોકતણી શું કેવી?

નાના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાતે?

બુદ્ધ જૈનના ઘુમ્યા વાદ જ્યાં મ્લેચ્છોસું શિલાદિત્ય લડ્યો;

ભૂવડસું વળી જયશિખરી જ્યાં જુદ્ધ પરાક્રમ દાખી પડ્યો,

ત્યાંના૦ નાના૦ ત્યારે૦

વળી રાજ્યનો રઙગધ્વજ જ્યાં છશેંક વર્ષ લગી ઊડ્યો;-

સરસ્વતી ને સેનાનીએ રઙગ દાખવ્યો છે રૂડો.

ત્યાંના૦ નાના૦ ત્યારે૦

કર્યું ધામ જ્યાં મુસલમાને નીજ રાજ્યનું વળી રૂડું;-

મધ્યે આવ્યાને બાને તે માની લે છે માન વડું.

ત્યાંના૦ નાના૦ ત્યારે૦

રે જ્યાં કીધો કોપ કાળીએ રાજ્ય થયું ખણ્ડેર ભુંડુ;

વલી રાજ્ય જ્યાં દખણીકેરૂં ઠાઠે દીપે કંઈક રૂડું.

ત્યાંના૦ નાના૦ ત્યારે૦

વળી પુરાતન પ્રસિદ્ધ જગમાં બૃગુનો આશ્રમ જ્યાં જોયો;

વળી રઙગ જ્યાં જનવસ્તુનો બન્દરને નાકે સોયો.

ત્યાંના૦ નાના૦ ત્યારે૦

છે અઙરેજી રાજ્યતણું જે ધામ મુખ્ય પશ્ચિમ ભણી-

જ્યાં ગુજરાતતણા જન વસિયા કો રે વેળા થોડી ઘણી.

ત્યાંના૦ નાના૦ ત્યારે૦

જ્યાં રેવામહી કાંઠા શોભે હિન્દુ મુસલમાન રાજ્યકે;

વળી રાજ્ય રણની પેલીગમ જોય સિંધની લગોલગે.

ત્યાંના૦ નાના૦ ત્યારે૦

વૃદ્ધ નગર જાણે જોયાં સૌ ચડતાં પડતાં રાજ્ય ઠરી;

હજી જીવે છે શું જોવાને પ્રજા તના ઢઙગ રઙગ વળી.

ત્યાંના૦ નાના૦ ત્યારે૦

શું બ્રાહ્મણ ને વાણિયાકેરી શ્રાવક ને ભાટીયાકેરી;

ક્ષત્રી રજપુત કણબીકેરી ભીલ અને કોળીકેરી

બીજ શૂદ્ર તણી શું કેવી?

ના ના ના રે નથી તેની?

ત્યારે કોની છે ગુજરાત?

પૂર્વજ જેના જે વળી આજે જન્મથકી ગુજરાતી વદ્યા;

કોઇ તીતની તોપણ ને વળી આર્યધર્મને રાખી રહ્યા.

તેની તેની છે ગુજરાત,

પછી હોય ગમે તે જાત;

તેની તેની છે ગુજરાત.

વળી પરદેશી બીજા જેને ભૂમિયે પાળી મોટા કર્યા;

પરધર્મી પણ હિત ઇચ્છનારા મફતતણું જે ભાઇ કર્યા.

તેની તેની છે ગુજરાત,

પછી હોય ગમે તે જાત;

તેની તેની છે ગુજરાત.

નર્મદ કે' ગુજરાતી ભાઈયો માતને અર્થે સમ્પ ધરે;

ખન્ત બન્ધન તોડી રણે સૌ ઝૂંઝો જયસુખ જમે ભરે.

પ્રેમ શૌર્યને કરી પ્રખ્યાત,

તે તે સૌની છે ગુજરાત;

તે તે સૌની છે ગુજરાત.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી