હું રંગરાતી ને છું મદમાતી

ભજન · નરસિંહ મહેતા

, શામળિયા સંગ હીચુંરે,

કોડ ભર્યો અતિ કુંવર નંદનો, આલિંગન દેઈ સીંચુંરે. હું રંગરાતી.

હીંડોળે હિંચે મારો વહાલો, હિચંતાં કેલિ કીજે રે;

ઘુમરડી ઘુમાવે ગોકુલપતિ, લહાવો લડસડ લીજે રે. હું રંગરાતી.

અલ જઈએ અલવેશર સાથે, વિલસત જમના માનું રે;

લેહેરી લેતાં અંગ સમાગમ, અધરપાન કીધું છાનું રે. હું રંગરાતી.

હિંડોળે હુલરાવું તમને, હેતે કરીને ગાઉં રે;

નરસૈંયાચા સ્વામી સંગે રમતાં, કાનજીને કંઠે વિટાઉં રે. હું રંગરાતી.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી