હરિ તણું હેત

ભજન · નરસિંહ મહેતા

તને, ક્યમ ગયું વીસરી, પશુરે ફેડીને નરરૂપ કીધું,

હાડ ને છેડ કરી સહુ તને હાંકતું, આજ વધારીને માન દીધું. હ.

ઘાંચીનું ગાળિયું, કંઠથી ટાળિયું, નેત્રના પાટા શ્રીનાથે છોડ્યા,

તે તણાં ચરણને, નવ ભજ્યો કૃતઘ્નિ, તેં ન ગુણ પાડના હાથ જોયા. હ.

પગ ઠોકી કરી, માગતો મૂઢ મતી, ઘાસ પાણી કરી શબ્દ ઝીણા;

આજ ગોવિંદ ગુણ, ગાઈને નાચતાં, લાજ આવે તને કર્મહીણા. હ.

લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો, ઊંટ જાણી ઘણો ભાર લાદે;

આજ અમૃત જમે, હરખે હળવો ભમે, વૈકુંઠનાથને નવ આરાધે. હ.

પીઠ અંબાડી ને, અંકુશ માર સહિ, રેણુ ઉડાડતો ધરણી હેઠો,

આજ યુવા ચંદન, આભ્રણ અંગ ધરી, વેગે જાય છે તું વેહેલે બેઠો. હ

અન્ન ને વસ્ત્ર ને ભૂષણ સર્વ જે તેહનો તૂજને હતો ઉધારો;

નરસૈંના સ્વામિએ સર્વ સારૂં કરયું, તે પ્રભુને તમે કાં વિસારો. હ

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી