કોણ કહે કજિયાળો રે!

કવિતા · ઝવેરચંદ મેઘાણી

કોણ કહે કજિયાળો મુજને, કોણ કહે કજિયાળો રે!

એવું કહી શીદ બાળો મુજને, કોણ કહે કજિયાળો રે!

મન મારું આકાશે તરતું, વાદળીઓની સાથે ફરતું,

બા કે'શે કે લેસન કર તું, ઠપકો દેતી ઠાલો રે.

ઍરોપ્લેનને ઊડતું દેખું, જાણે જઈ ગગનમાં ઠેકું,

બાપુ ત્યાં ગોખાવે લેખું, મરજો લેખાવાળો રે

ઘૂંટું જ્યાં પાટી પર મીંડાં, સાંભરતાં રૂપાળાં ઈંડાં,

શોધું છું ક્યાં ક્યાં પંખીડાં, બાંધે બેઠાં માળો રે.

ઊંડા ઊંડા દરિયા ઉપર શી રીતે દોડે છે સ્ટીમર,

પૂછું રે કોઈ આપો ઉત્તર, મારી શંકા ટાળો રે.

પૂછું તો બા શીદ ખિજાતાં, કેમ નથી કંઈ ગીતો ગાતાં

મૂંગાં મૂંગાં પોઢી જાતાં, કેમ જશે શિયાળો રે

આવી દૂધલિયાળી રાતો, કહો બા, તારાની વાતો,

શી રીતે આ આભ સુહાતો ઝગમગ ભાત્યોવાળો રે

મારા મનના કૈંક વિચારો, કોને જઈ હું કહું બિચારો

ડગલે પગલે મળતો ડારો, કોઈ ન કાં પંપાળો રે

ખિજાયા વિણ ખોળે લઈને, સમજાવો આલિંગન દઈને,

બેસીશ ડાહ્યો ડમરો થઈને, હું તે સાવ સુંવાળો રે

પણ જો તરછોડ્યા કરશો તો, મોઢું મચકોડ્યા કરશો તો,

મનડું સંકોડ્યા કરશો તો, વધશે મુજ ગોટાળો રે.

કોણ કહે કજિયાળો મુજને, કોણ કહે કજિયાળો રે!

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી