રામસભામાં અમે રમવાને

ભજન · નરસિંહ મહેતા

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં

પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,

બીજે પિયાલે રંગની હેલી રે,

ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યોપ્યો,

ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં

રસ બસ એકરૂપ રસિયા સાથે,

વાત ન સુઝે બીજી વાટે રે,

મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે

તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં

અખંડ સૌભાગી અમને કીધાં રે,

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી

દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી