હાલો ગલૂડાં રમાડવા જી રે

કવિતા · ઝવેરચંદ મેઘાણી

કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં

ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે,

માડીને પેટ પડી ચસ ચસ ધાવે

વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં રે

માતાને માથડે ચડતાં ને ચાટતાં

જોગણનાં જાણે લટૂરિયાં રે

રાતાં માતાં ને રોમે રોમે સુંવાળાં

હોય મીઠાં ગાલ મસૂરિયાં રે

બાને વા'લાં છે જેમ વીરો ને બેની

કાળવીને વા'લાં કુરકરિયાં જી રે

મોટા થાશે ને મારી શેરી સાચવશે

જાગશે રાતે બા'દુરિયાં રે

ટીપૂડો દીપૂડો ડુંગરડે ઘૂમશે

ગોધેન ભેળા વોળાવિયા રે

મોતિયો ને માનિયો ઝોકે રોકાશે

વાછરું ને પાડરું ભળાવિયાં રે

ડાઘિયો ડૂઘિયો ખેતરમાં જાશે

વાંહે રે'શે બે રખોલિયાં રે

કાળિયો ને લાળિયો પાદર પસાયતા

બાઉ બાઉ આલબેલ બોલિયા રે

ગોળ-ઘી-લોટના શીરા બનાવિયાં

કાળવીનાં પેટડાં પૂરિયાં રે

પેટ ભરીને માડી બાળક ધવરાવે

ધાવીને પોઢે ટીપૂડિયાં રે

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી