વીર પુરુષ તે ક્યાં છે?

કવિતા · નર્મદાશંકર દવે

વીરપુરુષ તે ક્યાં છે ભાઇ વીરપુરુષ તે ક્યાં છે ?

મદ માતા ક્ષત્રી સંહાર્યા, પરશુરામ તે ક્યાં છે? ભાઇ - વીર૦

નિઃશંક પાપી રાક્ષસ રોળ્યાં, રામચંદ્ર તે ક્યાં છે? ભાઇ - વીર૦

સંસ શિશુપાળ મુરાદિ માર્યા, વસુદેવસુત તે ક્યાં છે? ભાઇ - વીર૦

કપટી બળીયા કૌરવ છેદ્યા, કૃષ્ણાર્જુન તે ક્યાં છે? ભાઇ - વીર૦

પરદેશી શક યવનને જીત્યા, નૃપ વિક્રમ તે ક્યાં છે? ભાઇ - વીર૦

છે તે સંધા અહીં પણ કહે છે, સંપજનમાં ક્યાં છે? ભાઇ - વીર૦

સંપ શૌર્ય જ્યાં જનમાં સ્હોયે, વીર પુરુષ તે ક્યાં છે? ભાઇ - વીર૦

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી