પ્રાતઃ હવું પ્રાણપતિ

ભજન · નરસિંહ મહેતા

પદ ૩૧ મું – રાગ પ્રભાત

પ્રાત હવો પ્રાણપતી, ઈંદુ ગયો આથમી, કાં રહો બાંહુડી કંઠ ઘાલી;

નાથ મુકો બાથમાંથી, મુજને વળગો નહીં, શું કરશો હજુ હાથ ઝાલી ? પ્રાત.

આ જુવો અરુણ, પુરવ દશા ઉગિયો, તેજ તારાતણાં ક્ષીણ દીસે;

શબ્દ સોહામણા, સાવજાં ઓચરે, વચ્છ ધેન ઘણું ઘેર હીસે. પ્રાત.

[ ૧ ] *લલિત સ્વર સુંદરી, લલિત આલાપતી ઘેર ઘેર દાધ મથન ઘોષ થાયે;

દીપક જ્યોત, ઝાંખી થઇ કહાનજી, સુરભી સુપવન શીતર વાયે. પ્રાત.

કમલ વિકાસીયાં, મધુપ મધ્ય ઉડી ગયા, કુરકુટા બોલે પીયુ પાય લાગું.

સૂર્ય ઉગ્યા સમે, લાજીએ ઘર જતાં, નરસૈંચા સ્વામી માન માગું. પ્રાત.

અન્ય સંસ્કરણ

[ ફેરફાર કરો ]

પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી,

કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ?

નાથ ! મેલો હવે બાથ માંહે થકી

શું કરશો હે બાંહ ઝાલી ?

અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી,

તેજ તારા તણું ક્ષીણ દીસે;

દીપક-જ્યોત તે ક્ષીણ થઈ જાદવા,

વચ્છ ધવરાવવા ધેન હીસે.

લલિત અતિ સુંદરી લલિત આલાપતી

દધિમંથન ઘોષ ઘેર ધાયૈ;

શબ્દ સોહામણાં સાવજાં અતિ કરે,

સુરભિત શીતલ પવન વાયે.

કમળ વિકસી રહ્યા, મધુપ ઊડી ગયાં,

કુક્કુટા બોલે, પિયુ ! પાય લાગું;

રવિ રે ઉગતાં લાજી એ ઘેર જતો,

નરસૈંયાના સ્વામી ! માન માંગું.

↑ *પા૦ ઉઠ આલસ તજી, કાનકી માહરા, સાસુ જશોદા સાદે સાહે.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી