મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !

પદ · દયારામ

મૂલક ઘણા જોયા રે ! મુસાફરી થઈ છે ઘણી !

સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ !

ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ,

સમઝીને ચાલો સૂધા રે ! ના જાશો ડાબા કે જમણી. મનજી !

વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બે ચાર,

માટે, વળવા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર,

મળ્યો છે એક ભેદુ રે ! બતાવી ગતિ સહુ તે તણી. મનજી !

માલ વહોરો તો વહોરો શેઠના નામનો, થાય ના ક્યહું અટકાવ,

આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ,

એટલા સારું રે ! ના થાવું વહોતરના ધણી. મનજી !

જોજો, જગતથકી જાવું છે, કરજો સંભાળીને કામ,

દાસ દયાને એમ ગમે છે – હાંવા જઈએ પોતાને ધામ,

સૂઝે છે હાંવા એવું રે ! અવધ થઈ છે આપણી ! મનજી !

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી