સમજણ વિના રે સુખ નહીં જંતને રે

છપ્પા · અખો

શીખામણ.

૫દ ૩ રાગ મેવાડો.

સમજણ વિના રે સુખ નહીં તુજને રે; ટેક

વસ્તુગતિ કેમ કરી ઓળખાય;

આપમાં દીસે છે આપણો અતમા રે,

તેણે કાંઈ જીવપણુ નવ જાય. — સમજણ. ૧.

રવિ રવિ કરતાંરે રજની નહિ મટે રે,

અંધારૂં તો ઉગ્યાં પૂંઠે જાય;

રુદય રવિ ઉગેરે નિજ ગુરૂ જ્ઞાનનોરે,

થનાર જે હોય તે સહેજે થાય. — સમજણ. ૨.

જળ જળ કરતાં તૃષ્ણા નવ ટળેરે,

ભોજન કહેતાં ન ભાગે ભૂખ;

પ્રેમરસ પીતાંરે તૃષ્ણા તુરંત ટળે રે,

એમ મહા જ્ઞાનિયો બોલે છે મુખ. — સમજણ. ૩.

પારસમણી વિનારે જે પથરા મળે રે,

તેણે કાંઈ કાંઞ્‌ચન તે ન થાય;

સમજણ વિનારે જે સાધન કરેરે,

તેણે કાંઈ જીવ પણું નવ જાય. — સમજણ. ૪.

દશ મણ અગ્નિરે લખિયે કાગળે રે,

એને લેઈ રૂમાં જો અલપાય;

એની ઉષ્ણતાયેરે રૂ નથી દાઝતું રે,

રતી એક સાચે પ્રલય જ થાય. — સમજણ. ૫.

જીવપણું મટે રે અનહદ ચિંતવ્યે રે,

એ તો વાણી રહિત છે રે વિચાર,

જે જે નર સમજ્યા રે તે તે તો ત્યાં શમ્યા રે,

કહે અખો ઊતર્યા પેલે પાર. — સમજણ. ૬.

અન્ય સંસ્કરણ

[ ફેરફાર કરો ]

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;

વસ્તુગતિ કેમ કરી ઓળખાય?

આપમાં વસે છે આપનો અત્મા રે,

તેણે કાંઈ જીવપણુઇં નવ જાય. --સમજણ

રવિ રવિ કરતાં રજની નહીં મટે રે,

અંધારું તો ઈગ્યાં પૂંઠે જાય;

રુદે કવિ ઉગે રે નિજ ગુરુજ્ઞાનનો રે

થનાર હોય તે સહેજે થાય. --સમજણ

જળજળ કરતાં તૃષ્ણા નવ ટળે રે,

ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;

પ્રેમરસ પીતાં તૃષ્ણા તુરંત ટળે રે,

એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ. --સમજણ

પારસ મણિ વિનારે જે પથરા મળે રે,

તેણે કાંઈ કાંચન લોહ ન થાય;

સમજણ વિના રે જે સાધન કરે રે,

તેણે કાંઈ જીવ પણું નવ જાય. --સમજણ

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,

એને લઈ રૂ માં જો અલપાય;

એની અગ્નિથી રે રૂ નથી દાજતું રે,

રતી એક સાચે પ્રલય જ થાય. --સમજણ

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,

એ તો વાણી રહિત છે રે વિચાર,

જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,

કહે અખો ઊતર્યા પેલે પાર. --સમજણ

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી