હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ

પદ · દયારામ

હું શું જાણુ

હું શું જાણુ

ગરબી ૯ મી.

હું શું જાણું જે વ્હાલે મુજમા શું દિઠ્યુ

વારે વારે સામું આવે મુખ લાગે મીઠું. હું શું જાણું જે

હું જાઉં જળ ભરવા ત્યાં પુંઠે પુંઠે આવે;

વગર બોલાવ્યો વ્હાલો બ્હેડલું ચડાવે. હું શું જાણું જે

વઢું ને તરછોડું તોયે રીસ ન લાવે;

કાંઇ કાઇં મીષે મ્હારે ઘેર આવી બોલાવે. હું શું જાણું જે

દૂરથકી દેખી વ્હાલો મુને ડોડ્યો આવી દોટે;

પોતાની માળા કહાડી પેરાવે મ્હારી કોટે. હું શું જાણું જે

મુને એકલડી દેખી ત્યાં મ્હારે પાવલે લાગે;

રંક થઇ કાંઇ કાંઇ મ્હારી પાસે માગે. હું શું જાણું જે

મુને જ્યાં જ્યાં જાતી જાણે ત્યાંથી એ આવી ઢૂંકે;

બેની દયાનો પ્રીતમ મ્હારી કેડ નવ મૂકે. હું શું જાણુ જે.

અન્ય સંસ્કરણ

[ ફેરફાર કરો ]

વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ

હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે

વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે

કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે

કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે … હું શું જાણુ

એકલડી દેખે ત્યાં પાવ રે લાગે

રંક થઇ કાંઇ કાંઇ મારી પાસે માંગે

જ્યાં જ્યાં જ્યાંથી જાણે ત્યાંથી આડો આવી ઝુકે

દયાનો પ્રીતમ મારો કેડો નવ મુકે … હું શું જાણુ

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી