તું મારે ચાંદલીએ ચોંટ્યો

ભજન · નરસિંહ મહેતા

રાગ કેદારો

તું મારે ચાંદલીએ ચોંટ્યો, સારા મુરતમાં શામળિયો;

ક્ષણું એક વહાલા અળગા ન થાઓ, પ્રાણજીવન પાતળિયો. તું મારે.

ખડકીએ જોઉં ત્યારે અડકીને ઉભો, બારીએ જોઉં ત્યારે બેઠો રે;

શેરીએ જોઉં ત્યારે સન્મુખ આવે, વહાલો અમૃતપેં અતિ મીઠો રે. તું મારે.

જમતાં જોઉં ત્યારે જોડે બેઠો, સૂતો જોઉં ત્યારે સેજડીએ;

વૃંદાવનને મારગ જાતાં, આવીને વળગ્યો બેલડીએ. તું મારે.

પ્રીત કરે તેની કેડ ન મેલે, રસ આપે અતિ રસિયો રે;

નરસૈયાંચો સ્વામી ભલે મળીઓ, મારા હૃદય કમળમાં વસિયો રે. તું મારે..

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી