કૃષ્ણકળી

કવિતા · ઝવેરચંદ મેઘાણી

ગામનાં માણસ મૂરખાં રે

એને કાળવી કે'તા રે

હું કહેતો કૃષ્ણકળી, કૃષ્ણકળી

કૃષ્ણકળી રે

હરિની કૃષ્ણકળી રે

દીઠી વૈશાખને દા'ડે

સીમને કૂબે

બાપની વાડી રે

માથે કાંઈ ઘૂમટો નો'તો

ખંભે કાંઈ સંગટો નો'તો

ઝૂકાઝૂક ઊડતો ચોટો મોકળો

એની પીઠ પછાડી રે

કાળી ! મર દેહડી કાળી

મેં તો જોઈ આંખ બે કાળી

બીજું કાંઈ દેખવું નો'તું

આંખ બે કાળી

હરણાંવાળી રે

આંજ્યા વિણ આંખ બે કાળી રે

ગામનાં માણસ મૂરખાં રે

એને કાળવી કે'તા રે

હું કહેતો કૃષ્ણકળી, કૃષ્ણકળી

કૃષ્ણકળી રે

હરિની કૃષ્ણકળી રે

આભે એક વાદળી ભાળી

ભાંભરી ઊઠી ગાય બે કાળી રે

આવી ફાળ પામતી બાળી

કાળવી એની ઝૂંપડી બા'રી રે

સુણી ગગડાટ ને

આભે શીંગ ઉલાળી

ગાવડી ચાલી રે

તે દી' મેં કાળવી દીઠી

દીઠી બસ આંખ બે મીઠી

બીજું કાંઈ દેખવું નો'તું

આંખ બે કાળી

હરણાંવાળી રે

આંજ્યા વિણ આંખ બે કાળી રે

ગામનાં માણસ મૂરખાં રે

એને કાળવી કે'તા રે

હું કહેતો કૃષ્ણકળી, કૃષ્ણકળી

કૃષ્ણકળી રે

હરિની કૃષ્ણકળી રે

ઊગમણી લેરખી આવે

મોલ ઝૂલાવે

ખાય હીંચોળા રે

સીમે કોઈ માનવી નો'તું

એક ઊભો હું

ન્યાળતો લીલા રે

મારી કોર ઠેરવી આંખ્યો

ઝાંખ્યો કે નવ રે ઝાંખ્યો ?

હું જાણું, કાળવી જાણે,

કોઈ ત્રીજું જણ કાંઈ ન જાણે રે

કાળી ! મર હોય એ કાળી

મેં તો બસ આંખડી ન્યાળી

બીજું કાંઈ ન્યાળવું નો'તું

આંખ બે કાળી

હરણાંવાળી રે

આંજ્યા વિણ આંખ બે કાળી રે

ગામનાં માણસ મૂરખાં રે

એને કાળવી કે'તા રે

હું કહેતો કૃષ્ણકળી, કૃષ્ણકળી

કૃષ્ણકળી રે

હરિની કૃષ્ણકળી રે

એવો જગ જેઠ બેઠો ને

મેવલો બેઠો આભ ઈશાને રે

એવી આષાઢની બાદલ-છાંયડી

કાળી રાવટી તાણે રે

એવી કોઈ શ્રાવણી રાતે

દિલ એકાએક

ડોલવા લાગે રે

એવી એક કાળવી કેરાં

કાજળ-ઘેરાં સ્મરણાં જાગે રે

ગામનાં લોકો કાળવી કો'

દિલ ચાય તે કે'જો રે

હું તો કહું કૃષ્ણકળી, કૃષ્ણકળી

કૃષ્ણકળી રે

હરિની કૃષ્ણકળી રે

માથે કાંઈ ઓઢણી નો'તી

વેળા લાજવાનીય નો'તી

બીજું કાંઈ ન્યાળવું નો'તું

બસ દીઠી બે આંખડી કાળી રે

કાળી કાળી મેઘની છાયા હેઠ

મેં દીઠી આંખ બે કાળી રે

કાળી કાળી હરણાંવાળી રે

ગામનાં માણસ મૂરખાં રે

એને કાળવી કે'તા રે

હું કહેતો કૃષ્ણકળી, કૃષ્ણકળી

કૃષ્ણકળી રે

હરિની કૃષ્ણકળી રે

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી