અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

ભજન · નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ટેક.

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવથકી જીવ થયો એ જ આશે. અ૦.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવાં, અંત્યે તો હેમનું હેમ હોયે. અ૦.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અ૦.

અન્ય સંસ્કરણ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ ચાખવા,

શિવ થકી જીવ થયો એ જ આશે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

કનક કુંડલ વિષે ભેદ ન હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,

અંતે તો હેમનું હેમ હોયે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી

જેહને જે ગમે તેને તે પૂજે

મન-વચન-કર્મથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સૂઝે

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈંયો એ મન તણી શોધના,

પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી