મોરલી

પદ · દયારામ

(ઢાળ : આજની ઘડી રળિયામણી)

મોરલી વાગી રે શ્રી કૃષ્ણની.

હાં રે વ્હાલા ! સરસ્વત સ્વામીને વિનવું;

હાં રે વ્હાલા ! ગણપત લાગું પાય, લાલ ! જી રે. મોરલી૦

હાં રે વ્હાલા ! સરોવર પાણીડાં સંચર્યા;

હાં રે વ્હાલા ! કાંઠે તે ઉભો ક્હાન, લાલ ! જી રે. મોરલી૦

હાં રે વ્હાલા ! સોના તે કેરૂં મ્હારૂં બેડલું;

હાં રે વ્હાલા ! ઉઢાણી રતન જડાવ, લાલ ! જી રે. મોરલી૦

હાં રે વ્હાલા ! ક્હાને તે કંકર ફેંકિયો

હાં રે વ્હાલા ! વાગ્યો ઘડૂલો હેઠ, લાલ ! જી રે. મોરલી૦

હાં રે વ્હાલા ! ઘડૂલો ફૂટ્યો ને નીર વહી ગયાં,

હાં રે વ્હાલા ! ભીંજ્યા મ્હારાં નવરંગ ચીર, લાલ ! જી રે. મોરલી૦

હાં રે વ્હાલા ! સાસુ તે મ્હારી ખીજશે;

હાં રે વ્હાલા ! નણદલ દેશે ગાળ, લાલ ! જી રે. મોરલી૦

હાં રે વ્હાલા ! દેરાણી જેઠાણી મ્હેણાં મારશે;

હાં રે વ્હાલા ! પરણ્યો તે કરશે પેર, લાલ ! જી રે. મોરલી૦

હાં રે વ્હાલા ! દયાના પ્રીતમ પ્રભુ પાતળા;

હાં રે તે તો મ્હારા પ્રાણનાઆઅધાર, ! લાલ ! જી રે. મોરલી૦

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી