ભુતળ ભક્તિ પદારથ

ભજન · નરસિંહ મહેતા

ભૂતળ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,

પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે;

નિત્ય સેવા નિત્ય કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે; ભૂતળ.

ભરત ખંડ ભૂતળમાં જનમી જેણે ગોવિંદના ગુણ ગાયા રે;

ધન ધન રે એના માત પિતાને, સફલ કરી એણે કાયા રે. ભૂતળ.

ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે;

અષ્ટમહા સિદ્ધિ આંગણિયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે. ભૂતળ.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે;

કંઈ એક જાણે પેલી વ્રજનીરે ગોપી, ભણે નરસૈંયો જોગી રે. ભૂતળ.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી