હો વાંસલડી !

પદ · દયારામ

(ઢાળ : શેરી વળાવી સજ કરૂં, ઘેર આવોને)

માનીતી તું છે મોહન તણી, હો વાંસલડી !

ત્હને વ્હાલમ કરે છે ઘણું વ્હાલા રે, હો વાંસલડી !

મીઠો આવડો શો શોર? મ્હ્યો નંદનો કિશોર;

ત્હારૂં આવડું શું જોર ? ભૂંડી ! કાળજડું મા કોર રે, હો વાંસલડી ! મીઠો૦.

વાજી વાજીને વિકલ કર્યાં, હો વાંસલડી !

તું તો પીડે અમારા પ્રાણ રે, હો વાંસલડી ! મીઠો૦.

સુણતાં પડે ચે હૃદે સોંસરા, હો વાંસલડી !

ત્હારા ટહુકારાથી મોહબાણ રે, હો વાંસલડી ! મીઠો૦.

ઝેર ઘણું છે ત્હારી ઝપટ્માં, હો વાંસલડી !

ભલા તું થી ભાલા-તલવાર રે, હો વાંસલડી ! મીઠો૦.

એકીવારે તું હણી નાંખની, હો વાંસલડી !

ભૂંડી ! થોડે થોડે મા માર રે, હો વાંસલડી ! મીઠો૦.

ગરજે ગુમાન ભરી આવડી શું, હો વાંસલડી !

તું તો જોતી વિચરી ત્હારી જાત રે, હો વાંસલડી ! મીઠો૦.

જોતા તું કાષ્ટ કેરો કરકડો, હો વાંસલડી !

તુંને આજ મળી છે ઠરાત રે, હો વાંસલડી ! મીઠો૦.

ચોરની સંગે શીખી ચોરવા, હો વાંસલડી !

વ્હાલે માખણ ઓર્યું ને ત્હેં) તેઓ મંન રે, હો વાંસલડી ! મીઠો૦.

માન ન રાખ્યું માનિની તણું ત્હેં , વાંસલડી !

ત્હેંતો સહુને કર્યા પાયમાલ રે, હો વાંસલડી ! મીઠો૦.

દયાના પ્રભુની દૂતી તું ખરી, હો વાંસલડી !

સહુને તેડે તું બેઠી ઠામ રે, હો વાંસલડી ! મીઠો૦.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી