આજની ઘડી રળિયામણી

ભજન · નરસિંહ મહેતા

પદ ૩૪ રાગ એજ.

જીરે આજની ઘડી રે રળિયામણી,

મારો વા’લો આવ્યાની વધામણી રે…..ટેક.

જીરે તરિયા તોરણ તે બંધાવિયાં રે,

મારા વાલાજીને મોતીડે વધાવિયા રે— જીરે આજની. ૧.

જીરે કમ્કુ એસરની ગાર કરાવી મેંરે;

ઝીણી કસ્તુરીની ચોકડી ઓઅડાવિયેરે— જીરે આજની. ૨.

જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયારે,

મારા વાલાજીનો મંડપ રચાવિયે રે— જીરે આજની. ૩.

જી રે પૂર્યો પૂર્યો સુહાગણ સાથિયોરે;

વાલો આવે મલપતો હાથિયો રે— જીરે આજની. ૪.

જી રે ગંગા-જમુનાના નીર મંગાવિયેરે,

મારા વાલાજીનાં ચરણ પખાળિયે રે— જીરે આજની. ૫.

જી રે સોનાં રૂપાંની થાળી મંગાવિયેરે;

માંહે ચમકતો દીવડો મેલાવિયે રે— જીરે આજની. ૬.

જી રે તન, મન, ધન, ઓવારિયેરે;

મારા વાલાજીની આરતી ઉતારીયે રે— જીરે આજની. ૭.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડોરે,

મે’તા નરસૈંયાનો સ્વામી દીઠડો રે— જીરે આજની. ૮.

અન્ય સંસ્કરણ

[ ફેરફાર કરો ]

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,

હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,

મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,

મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,

મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ

માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,

મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,

મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી