જશોદા! તારા કાનુડાને

ભજન · નરસિંહ મહેતા

પદ ૭૯ મું-રાગ પ્રભાત.

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધુમ મચાવે વ્રજમાં, નહી કોઇ પૂછનાર રે. જશોદા.

શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;

માંખણ ખાધુ ઢોળી નાખ્યું, જાન કીધું આ વાર રે. જશોદા.

ખાંખા ખોળાં કરતો હીંડે, બિહે નહી લગાર રે;

મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહિયે લાડ રે. જશોદા.

વારે વારે કહુંછું તમને, હવે ન રાખું ભાર રે;

નિત ઊઠીને અને ક્યમ સહિયે, વસી નગર મોઝાર રે. જશોદા.

મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો નબ્હાર રે;

દહીંદૂધનાં માટ ભર્યાં છે, બીજે ચાખે ન લગાર રે. જશોદા.

શાને કાજે મળીને આવી, ટોળી વળી દશ-બાર રે;

નરસંઇયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે. જશોદા.

અન્ય સંસ્કરણ

[ ફેરફાર કરો ]

ગોપીઃ

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.

શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;

માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;

મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;

નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.

જશોદાઃ

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;

ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે ... જશોદા.

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?

દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !

નરસૈંયા નો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી