ભોળી રે ભરવાડણ

ભજન · નરસિંહ મહેતા

હરિને, વેચવા ચાલી;

સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. ભોળીરે.–ટેક.

અનાથના નાથને વેંચે, આહીરની નારી;

શેરીએ શેરીએ સાદ પાડે, લ્યો કોઈ મોરારી. ભોળીરે.

મટુકી ઉતારી માંહી, મોરલી ગાઅગી;

વ્રજનારીને સેજે જોતાં, મૂરછા લાગી. ભોળીરે.

બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતક એ-પેખે રે;

ચૌદ લોકના નાથને કાંઈ, મટુકીમાં દેખે. ભોળીરે.

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;

દાસલડાંને લાડ લડાવે, નરસૈંનો સ્વામી. ભોળીરે.

અન્ય સંસ્કરણ

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે

ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે

નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે

મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે

ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે

દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી