મીઠડા બોલા નાથ રે

ભજન · નરસિંહ મહેતા

રાગ : સોહણી.

મીઠડા બોલા નાથ રે, આવો મારા મીઠડા બોલા નાથ રે;

એક ઘડી એકાંતે આવો તો, કહું મારાં મનડાં કેરી વાત રે. આવો.

આજ આનંદ મારે અતિ ઘણો, વહાલે પ્રેમે સહાયો મારો હાથ રે;

તરીયાં તોરણ મારે દ્વારે બંધાવું, મંગળ ગવરાવું સારી રાત રે. આવો

વૃંદા તે વનની કુંજગલનમાં, સહુ સખીઓની સાથ રે;

નરસૈયાચા સ્વામી સંગે રમતાં, હવે તો હુવો પરભાત રે. આવો

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી