આજ મારાં નયણાં સફળ થયાં

ભજન · નરસિંહ મહેતા

પદ ૮ રાગ રામગ્રી.

આજ મારાં નેણાંરે સફળ થયાં, નાથ જોયાં મેં નીરખી,

સુંદર વદન નિહાળતાં, મારા હૃદયમાં હરખી.— આજ. ૧

જે મારા મનમાં હતું તે વ્હાલાજીએ કીધું;

પ્રેમેથી પ્રભુજી પધાર્યા, આલિંગન દીધું.— આજ. ૨

જોગીરે જંગમરે સેવડા, તેના સ્વપ્નમાં ન આવે;

ભાગ ભલાં વ્રજનારનાં, હરિને લાડ લડાવે— આજ. ૩

ધન ધન ગોકુળ ગામડું ધન ધન વ્રજનો વાસ;

ધન ધન આ ભૂમિને, જ્યાં વ્હાલો રમિયા છે રાસ.— આજ. ૫

અંતરીક્ષથી દહુ દેવતા, ત્યાં જોવાને આવે;

થાળ ભર્યો સગ મોતિયે, નાગર નરસી વધાવે.— આજ. ૬

અન્ય સંસ્કરણ

[ ફેરફાર કરો ]

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,

સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;

પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;

હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,

સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે વાસ;

ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો જ્યાં રમ્યા રાસ.

અંતરિક્ષથી દેવતા સહુ શોભા જોવાને આવે;

પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી