શ્યામ રંગ સમીપે ન જાવું

પદ · દયારામ

શોભા સલૂણા શ્યામની

શોભા સલૂણા શ્યામની

(ઢાળ : પ્રેમની પીડા તે કોને કહિયે રે ? હો મધુકર ! પ્રેમની પીડા તે કોને કહિયે રે ?)

ગરબી 3 જી થી

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજથકી શ્યામરંગ. —ટેક.

જેમાં કાળાસ તે સહુ એક સરખું, સરવમાં કપટ હશે આહ્‌વું ? મારે.

કસ્તુરીની બિંદી તો કરું નહીં, કાજળ ન આંખમાં અંજાવું. મારે.

કોકીલાનો શબ્દ સુણું નહીં, કાગવાણી શકુનમાં ન લાવું. મારે.

નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે.

મરકત મણી ને મેઘ દૃષ્ટે ન જોવાં, જાંબુ વંત્યાક ન ખાવું. મારે.

દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે પલક ના નિભાવું. મારે.

અન્ય સંસ્કરણ

[ ફેરફાર કરો ]

શ્યામ રંગ સમીપે ન જાવું,

મ્હારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે સહુ એક સરખું,

સર્વમાં કપટ હશે આવું ? મ્હારે આજ૦

કસ્તુરીની બિંદી તો કરૂં નહીં,

કાજળ ન આંખમાં અંજાવું. મ્હારે આજ૦

કોકિલાનો શબ્દ સૂણું નહીં,

કાગવાણી શકુનમાં ન લાવું. મ્હારે આજ૦

નીલાંબર કાળી કંચુકી ન પહેરૂં,

જમુનાનાં નીરમાં ન ન્હાવું. મ્હારે આજ૦

મરકતમણિ ને મેઘ દૃષ્ટે ન જોવાં,

જાંબુ વંત્યાક ન ખાવું. મ્હારે આજ૦

'દયા'ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,

મન કહે પલક ના નિભાવું. મ્હારે આજ૦

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી