મહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી

ભજન · નરસિંહ મહેતા

વિસામો દેવાને ઊઠ્યા સારંગપાણી. – મહીડું. ૧

માતા રે જશોદા તારું મહીડું વલોવું;

બીશો માં માતાજી ! ગોળી નહીં ફોડું. – મહીડું.૨

ધ્રૂજયો મેરુ રે એને ધ્રાસકો લાગ્યો;

રવૈયો કરશે તો નિશ્ચે હું ભાગ્યો. – મહીડું. ૩

વાસુકિ ભણે; ‘મારી શી પેર થાશે ?

મારું નેતરું કરશે તો જીવડો જાશે.’ – મહીડું. ૪

રત્નાકર કહે; ‘મુજ રતન નથી,

ઠાલો વલોવશે મુને ગોકુળપતિ.’ – મહીડું. ૫

બ્રહ્મા ઇંદ્રાદિક વળતાં લાગ્યા રે પાય;

‘નેતરૂ મૂકો તમે ગોકુળા રાય !’ – મહીડું. ૬

જશોદાજી કહે; ‘હું તો નવનિધ પામી,

ભક્તવત્સલ મળ્યો નરસિયાનો સ્વામી.’ – મહીડું. ૭

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી