રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે

ભજન · નરસિંહ મહેતા

તાળી ને વળી તાલ રે;

નાચંતા શામળિયો-શ્યામા,

વાધ્યો રંગ રસાળ રે ... રુમઝુમ રુમઝુમ

ઝાલ ઝબૂકે રાખલડી રે,

મોર-મુગટ શિર સોહે રે;

થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા,

મરકલડે મન મોહે રે ... રુમઝુમ રુમઝુમ

કોટિકલા તહાં પ્રગટ્યો શશિયર,

જાણે દિનકર ઉદિયો રે;

ભણે નરસૈંયો મહારસ ઝીલે,

માનિની ને મહાબળિયો રે ... રુમઝુમ રુમઝુમ

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી