જય! જય! ગરવી ગુજરાત!

કવિતા · નર્મદાશંકર દવે

દીપે અરુણું પ્રભાત

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,

તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. -

ઊંચી તુજ સુંદર જાત

ઉત્તરમાં અંબામાત,

પૂરવમાં કાળી માત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,

ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.

છે સહાયમાં સાક્ષાત્

નદી તાપી નર્મદા જોય,

મહી ને બીજી પણ જોય,

વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર,

પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;

સંપે સોહે સહુ જાત

તે અણહિલવાડના રંગ,

તે સિદ્ધરાજ જયસંગ;

તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!

શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત;

જન ઘૂમે નર્મદા સાથ

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી